- કાયદાનું શાસન આપણી સભ્યતા અને સામાજિક તાણાવાણાનો પાયો રહ્યો છેઃ પીએમ
- આત્મનિર્ભર ભારત અભિયાન ન્યાયતંત્રને આધુનિક સ્વરૂપ આપવાના પ્રયાસોમાં ભૂમિકા ભજવી
- ન્યાયની સરળતા વેપાર વાણિજ્યની સરળતામાં વધારો કરે છે
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટની હીરક જંયતિના પ્રસંગે બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લાં 60 વર્ષના સમયગાળા દરમિયાન ભારતીય ન્યાય વ્યવસ્થા અને ભારતીય લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાની કાયદાકીય સમજણ, વિદ્વતા અને બૌદ્ધિકતા સાથે કરેલા પ્રદાન બદલ હાઈકોર્ટ અને બારની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતિ મહોત્સવની ઉજવણીના પ્રસંગે ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાનાં 60 વર્ષ પૂર્ણ થવાની યાદગીરી સ્વરૂપે એક પોસ્ટેજ સ્ટેમ્પ (ટપાલ ટિકિટ)નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાયપ્રધાન, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધિશો તથા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કાયદા ક્ષેત્રની જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી.
ન્યાયતંત્રએ ભારતીય બંધારણનું અર્થઘટન કરીને મજબૂત કર્યું
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, બંધારણના મૂલ્યોને જીવંત રાખવા માટે ન્યાયતંત્રએ એની જવાબદારી સુપેરે અદા કરી છે. ન્યાયતંત્રએ સકારાત્મક અને રચનાત્મક રીતે ભારતીય બંધારણનું અર્થઘટન કરીને એને હંમેશા મજબૂત કર્યું છે. ન્યાયતંત્રએ નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાના ક્ષેત્રોમાં એની ભૂમિકા ભજવીને કાયદાના શાસનને સ્થાપિત કરવા અને એને જાળવવાની કામગીરી પણ કરી છે.
કાયદાનું શાસન આપણી સભ્યતા છેઃ પીએમ
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારતીય સમાજમાં કાયદાનું શાસન આપણી સભ્યતા અને સામાજિક તાણાવાણાના આધારે રહ્યું છે. કાયદાનું શાસન સુશાસન કે સુરાજ્યનો આધાર છે. આ જ મંત્રએ આપણા સ્વતંત્રતા સંગ્રામમાં દેશવાસીઓને નૈતિક તાકાત આપી હતી. આ જ વિચારને આપણા બંધારણના ઘડવૈયાઓએ પણ બંધારણની રચના સમયે સૌથી વધુ મહત્વ આપ્યું હતું. આપણા બંધારણની પ્રસ્તાવનામાં કાયદાનું શાસન સ્થાપિત કરવાનો સંકલ્પ જ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે કાર્યવાહીનું સ્ટ્રીમીંગ કરીને દેશની પ્રથમ કોર્ટ બની
વડાપ્રધાને રોગચાળાના મુશ્કેલ સમયગાળા દરમિયાન ન્યાયતંત્રની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી વહેલામાં વહેલી તકે શરૂ કરવી, એસએમએસ કોલ-આઉટ, કેસનું ઇ-ફાઇલિંગ અને ‘ઇમેલ માય કેસ સ્ટેટ્સ’ જેવી પહેલો અપનાવીને એની પરિવર્તન અને ટેકનોલોજીના સ્વીકારની ક્ષમતા પ્રદર્શિત કરી હતી. કોર્ટે યુટ્યુબ પર એના ડિસ્પ્લે બોર્ડનું પ્રસારણ પણ શરૂ કર્યું હતું તથા વેબસાઇટ પર એના ચૂકાદા અને આદેશો પણ અપલોડ કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટ દેશની પ્રથમ કોર્ટ બની હતી, જેણે કોર્ટની કાર્યવાહીનું સ્ટ્રીમિંગ કર્યું હતું.
18 હજારથી વધારે કોર્ટનું કમ્પ્યુટરાઈઝેશન થયું
મોદીએ જાણકારી આપી હતી કે, અત્યારે 18 હજારથી વધારે કોર્ટનું કમ્પ્યુટરાઇઝેશન થયું છે અને સુપ્રીમ કોર્ટે ટેલી-કોન્ફરન્સિંગ અને વીડિયો કોન્ફરન્સિંગને કાયદેસર મંજૂરી આપ્યા પછી કોર્ટમાં ઇ-કાર્યવાહીને નવો વેગ મળ્યો છે. વડાપ્રધાન કહ્યું હતું કે, દુનિયાની તમામ સુપ્રીમ કોર્ટ વચ્ચે આપણી સુપ્રીમ કોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌથી વધુ કેસોની સુનાવણી કરે છે એ આપણા બધા માટે ગર્વની વાત છે. વડાપ્રધાને જાણકારી આપી હતી કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગની સંભવિતતા ચકાસવવામાં આવી રહી છે, જેથી આપણી વ્યવસ્થા ભવિષ્ય માટે સજ્જ બનશે. એનાથી ન્યાયતંત્રની કાર્યદક્ષતા અને કામ કરવાની ઝડપ એમ બંનેમાં વધારો થશે. આત્મનિર્ભર અભિયાન ન્યાયતંત્રને આધુનિક સ્વરૂપ આપવાના પ્રયાસોમાં મોટી ભૂમિકા ભજવશે.
વડાપ્રધાને 30-40 વર્ષ અગાઉ જૂનાગઢની ઈ-લોક અદાલતનો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાને ઇ-લોક અદાલતો વિશે વાત કરતાં 30થી 40 વર્ષ અગાઉ જૂનાગઢમાં ઇ-લોક અદાલતોનો ઉલ્લેખ કર્યો હતો. અત્યારે ઇ-લોક અદાલતો સમયસર અને સુવિધાજનક રીતે ન્યાય મેળવવાનો સ્ત્રોત બની ગયો છે, કારણ કે 24 રાજ્યોમાં લાખો કેસો ચાલી રહ્યાં છે. વર્તમાન ન્યાયિક વ્યવસ્થા માટે આ ઝડપ, વિશ્વાસ અને સુવિધાની તાતી જરૂર છે.
કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદનું સંબોધન
આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને દૂરસંચારપ્રધાન રવિશંકર પ્રસાદે ગુજરાત હાઇકોર્ટની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થવા અવસરે ન્યાયપાલિકા સાથે જોડાયેલા સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. ગુજરાત મુંબઇથી અલગ થઇને સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું તે પૂર્વે પણ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, કનૈયાલાલ મૂનશી જેવા વિદ્વત વ્યક્તિઓએ વકાલત દ્વારા અને સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન દ્વારા ગુજરાતનું ગૌરવ ઊજાળ્યું છે. ગુજરાત પ્રાચીનકાળથી જ પાવન ધરા છે. અહિં ભગવાન સોમનાથ, દ્વારકાધિશ અને આદ્યશક્તિ અંબાના આશિષ છે, સ્નેહની ઊર્જા છે. ગાંધી, સરદાર સાહેબ, મૂનશીજી જેવા મહાન સ્વાતંત્ર્ય વીરોની પ્રેરણા આજે પણ આપણને દેશની ઉન્નતિ માટે સંકલ્પ લેવા પ્રેરિત કરે છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું સંબોધન
ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતિના ઉજવણી પ્રસંગે સંબોધન કરતાં કહ્યું કે, બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે ઘણા લોકોના મનમાં શંકા હતી કે ખારોપાટ, બંજર જમીન અને આવડો મોટો દરિયાકાંઠો એ સિવાય ગુજરાત પાસે કાંઇ નથી, એ ગુજરાત કરશે શું? પરંતુ ગુજરાતીઓની સૂઝબૂઝ અને સ્વબળ થકી એ જ ગુજરાત આજે દેશમાં વિકાસનું રોલ મોડલ પ્રસ્થાપિત થયું છે. ગુજરાત ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાતની સાથે લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતથી પણ ઓળખાવા લાગ્યું છે. ત્યારે ગુજરાતના વિકાસને વધુ વેગવંતો બનાવવો એ સૌ કોઈનું ઉત્તરદાયિત્વ છે.
વિકાસનો આધાર કાયદાની વ્યવસ્થા પર છેઃ રૂપાણી
રૂપાણીએ કહ્યું કે વિકાસનો આધાર કાયદો વ્યવસ્થા અને ન્યાયતંત્ર પર રહેલો છે ગુજરાતમાં ન્યાયપ્રણાલી દ્વારા ઊભી કરાયેલી સુદ્રઢ વ્યવસ્થાઓએ રાજ્યના શાંતિપૂર્ણ વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. રાજ્યમાં શાંતિ સલામતી અને સુલેહ જાળવવા સરકાર હંમેશા કૃતનિશ્ચયી રહી છે. નિર્દોષને દંડ ન થાય અને દોષિત બચી ન જાય તે આપણા સૌનો ધ્યેય રહ્યો છે તેમાં પણ ન્યાયપાલિકાનો સહયોગ મળી રહ્યો છે.
રાજ્ય સરકારે બજેટમાં રૂ.1680 કરોડ ફાળવ્યા છે
મુખ્યપ્રધાને કહ્યું કે કોરોના કાળમાં પણ ઓનલાઇન સુનાવણી ફુલ કોર્ટ રેફરન્સ દ્વારા યુટ્યુબ પર જીવંત પ્રસારણ કરી ગુજરાત હાઈકોર્ટે ટાઇમલી જસ્ટિસ ફોર ઓવલને સાર્થક કર્યું છે. પહેલી માર્ચથી રાજ્યના મહાનગરોમાં પણ તમામ કોર્ટ ફરી કાર્યરત થવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજ્યની ન્યાયપાલિકાનાં સુચારૂ સંચાલનને વધુ સંગીન અને અદ્યતન બનાવવા રાજ્ય સરકારે ગયા વર્ષના બજેટમાં રૂ.1680 કરોડની રકમ ફાળવી હતી.
તમામ ન્યાયાધિશોની હાજરી
આ પ્રસંગે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશ જસ્ટીસ એમ. આર. શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીશ વિક્રમનાથ, ભારતના સોલીસીટર જનરલ તુષાર મહેતા તેમજ રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ પ્રાસંગિક સંબોધનો કર્યા હતા અને ગુજરાત હાઇકોર્ટની 6 દાયકાની ઉત્તરોત્તર પ્રગતિની ભૂમિકા આપી હતી. ન્યાયાધિશો, વકીલો, બાર એસોસિએશનના સભ્યો સહિત કાયદા ક્ષેત્રના અગ્રણીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.