- ગેટ ટુ ગેધર દરમિયાન થયું ગરબાના આયોજન
- માહિતી મળતા પોલીસે રેડ કરી
- મેનેજર અને આયોજન કરનારા વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો
અમદાવાદ: નવરાત્રીમાં કોરોના વાઈરસની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તમામ પાર્ટી પ્લોટમાં ગરબા રમવાના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ હજી પણ કેટલાક આયોજકો દ્વારા નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. સોલા પોલીસે ગેટ ટુ ગેધર દરમિયાન યોજાયેલા ગરબાના આયોજન થયું હોવાની માહિતી મળતા રેડ કરી હતી. જેને લઈ બેંકવેટના મેનેજર અને આયોજન કરનારા વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો છે.
ટ્રેડિશનલ કપડાં પહેરી બેંકવેટમાં જતા લોકો પર પોલીસને શંકા જતા પાડી રેડ
SG હાઈવે પર આવેલા જુબિલેશન બેંકવેટ હોલમાં એક ખાનગી ટેકનોલોજી કંપની દ્વારા બેંકવેટ હોલ ભાડે લેવામાં આવ્યો હતો. હોલમાં ગેટ ટુ ગેધર રાખવાના બહાને એક દિવસ માટે બેંકવેટ હોલ ભાડે રખાયો હતો. આજે ગેટ ટુ ગેધર દરમિયાન તમામ કંપનીના કર્મચારીઓ ટ્રેડિશનલ કપડામાં આવ્યા હોવાથી પોલીસને શંકા ગઈ હતી અને પોલીસે ચોક્કસ માહિતીના આધારે રેડ કરી હતી. કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓ મ્યુઝિકના તાલે ગરબા રમતા નજરે પડ્યા હતા. જેને પગલે પોલીસને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી.
કોની સામે કરવામાં આવી કાર્યવાહી ?
સોલા પોલીસે બેંકવેટ હોલના મેનેજરની બેદરકારી મામલે મેનેજર અને આયોજન કરનાર કંપનીના કર્મચારી સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સોલા હાઇકોર્ટ પોલીસે આ કેસમાં જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.