- તહેવાર બાદ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી
- સિવિલ હોસ્પિટલમાં 20 હજાર લિટરની ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ કરાવાશે
- પ્લાન્ટની ક્ષમતા વધારવામાં આવશે
- કેન્સર અને ન્યૂ કિડની હોસ્પિટલમાં ઓક્સિજનની ક્ષમતા વધારાશે
અમદાવાદઃ તહેવારો બાદ હાલ અમદાવાદ સિવિલ સંકુલની કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. અહીં સારવાર અર્થે આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સિવિલ મેડિસિટીની કોરોના ડેડિકેટેડ તમામ હોસ્પિટલમાં ઓક્સિજનની પુરતી ક્ષમતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અમદાવાદ સિવિલ મેડિસિટી સંકુલમાં આવેલી સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં 20 હજાર લિક્વિડ ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ છે. જ્યારે નોન કોવિડ હોસ્પિટલમાં પણ 20 હજાર લિટર લિક્વિડ ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મળેલી સૂચના અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં 20 હજાર લિટરની ક્ષમતા ઘરાવતી વધુ એક ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે ટૂંક સમયમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સુખાકારી માટે ઉપયોગમાં લેવાશે.
કેન્સર હોસ્પિટલમાં પણ 11 હજાર લિટર ઓક્સિજન ક્ષમતા વધશે
સિવિલ સંકુલમાં આવેલી કોરોના ડેડિકેટેડ કેન્સર હોસ્પિટલમાં હાલ 2800 લિટર કેપેસિટીની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક કાર્યરત છે. તેમ જ ઓક્સિજન ટેલર દ્વારા પણ ઓક્સિજનની જરૂરિયાત સંતોષવામાં આવે છે. ટૂંક સમયમાં કોરોના ડેડિકેટેડ કેન્સર હોસ્પિટલમાં અન્ય 11 હજાર લિટર લિક્વિડ ઓક્સિજનની ક્ષમતા ધરાવતી વધુ એક ઓક્સિજન ટેન્ક કાર્યરત કરવામાં આવશે. સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં 13 હજાર લિટરની ઓક્સિજન ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક દર્દીઓની સેવામાં ઉપલબ્ધ છે.
નવી કિડની હોસ્પિટલમાં પણ ઓક્સિજનની ક્ષમતા વધારાશે
આવતીકાલથી મંજુશ્રી કમ્પાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલ કે જે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કાર્યરત થશે, તેમાં પણ 20 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક કાર્યરત છે. તેમ જ અન્ય 20 હજાર લિટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંજુશ્રી કમ્પાઉન્ડ સ્થિત કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં ભારત સરકાર તેમ જ રાજ્ય સરકારના સહયોગથી ખૂબ જ ટૂંક સમયમાં ઓક્સિજન ટેન્કની જરૂરિયાત સંતોષવામાં આવી છે.