- AIMIM પાર્ટી અમદાવાદ અને ભરૂચમાં ચૂંટણી લડશે
- ઓવૈસીની જનસભામાં લાખોની મેદની ભેગી કરવાની રણનીતિ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ રીવરફ્રન્ટ પર જનસભા થશે
અમદાવાદઃ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહદ-ઉલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) એ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) સાથે ગઠબંધન કરી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેને ધ્યાનમાં રાખીને એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી 7 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે.
AIMIM દ્વારા રોડ શો અને જનસભાની પોલીસ મંજૂરી માંગી છે
તેમના પ્રવાસમાં ઓવૈસી ભરૂચ અને અમદાવાદમાં રેલીઓને સંબોધન કરશે. અમદાવાદ અને ભરૂચમાં ઓવૈસી જાહેર સભાઓની તૈયારીઓ ચાલી રહી છે. ઓવૈસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સાબરમતી રીવરફ્રન્ટ પર સાંજે 6 વાગે રેલીને સંબોધશે. રેલીમાં લાખોની સંખ્યામાં જનમેદની એકઠી થવાની સાંભવના છે, તેના માટે AIMIM ગુજરાત દ્વારા રોડ શો અને જનસભા કરવા માટે પોલીસની પરમિશન માંગવામાં આવી છે, પણ હજી પોલીસે મંજૂરી આપી નથી. આ રેલીમાં અમદાવાદના જુહાપુરા, સરખેજ, જમાલપુર, દરિયાપુર, શાહપુર, ગોમતીપુર, રખિયાલ, જેવા મુસ્લિમ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોની ભીડ અને AIMIMના કાર્યકર્તાઓ જોડાશે.
રાજકીય સમીકરણ બદલાયા છેઃ AIMIM પ્રવકતા
AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશીએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ રાજ્યના રાજકારણમાં ખૂબ મહત્વની સાબિત થશે. ઓવૈસીની ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાતથી રાજકીય સમીકરણમાં પરિવર્તન થવાની સંભાવના છે. AIMIM અમદાવાદની 12 વોર્ડ પર ચૂંટણી લડી શકે છે અને ભરૂચની તમામ બેઠકો પર ચૂંટણી લડશે.
AIMIMએ બીટીપી સાથે ગઠબંધન કર્યું છે
ઉલ્લેખનીય છે કે, ઓવૈસી તેમના કડક વલણ માટે જાણીતા છે અને તેમની પાર્ટી મતદારોને ધ્રુવીકરણ માટે જાણીતી છે. ઓવૈસી સાથે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) સુપ્રીમો છોટુ વસાવાના આગમનની અસર ભરૂચ જિલ્લા પાલિકાની ચૂંટણીઓ અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પર પડે તેવી શક્યતા છે.
AIMIMના ગુજરાત આવવાથી કોંગ્રેસમાં ડરનો માહોલ
હજુ સુધી ઓવૈસીની પાર્ટી AIMIMએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. જો કે, આ પહેલા અમદાવાદના મુસ્લિમ મત ધરાવતા વિસ્તારમાં ઓવૈસીની હવા ચાલી રહી છે. ઓવૈસીના સમર્થનમાં કેટલાક લોકો આવ્યા છે, જેને કારણે કોંગ્રેસમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓવૈસીની પાર્ટી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના મત તોડશે તેવો ડર જોવા મળી રહ્યો છે. ઓવૈસીના ડરને કારણે કોંગ્રેસ મુસ્લિમ મત વિસ્તારોમાં સીધો મેન્ડેટ જ આપી શકે છે, જેથી જમાલપુર, ગોમતીપુર અને મકતમપુરામાં બળવો થવાની આશંકા છે.
ઓવૈસી ગુજરાતમાં ચૂંટણી લડે તો કોને ફાયદો?
હવે વાત એ છે કે ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાતમાં ચૂંટણી લડશે તો અમદાવાદ અન ભરૂચનાં તમામ બેઠક પર કોંગ્રેસના મત કપાશે તે વાત નિશ્રિત છે. પણ તેનો ફાયદો ભાજપને થઈ શકે છે. જો કે, ભાજપ, કોંગ્રેસ અને AIMIM પક્ષ વચ્ચે મતોનું હારજીતનું પરિણામ ખૂબ ઓછા મતનું રહેશે. અત્યાર સુધી મુસ્લિમ મતદારો કોંગ્રેસની વોટ બેન્ક હતી. તે વોટબેન્ક હવે AIMIM તરફ વળશે, જેથી કોંગ્રેસને આ મતનું નુકસાન થસે, તે વાત સીધી છે.
અમદાવાદથી રોશન આરાનો વિશેષ અહેવાલ