10 જાન્યુઆરીના રોજ ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆત ભારતના બંધારણના અનુચ્છેદ ૧૭૬ મુજબ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. રાજ્યપાલના સંબોધન બાદ ૧૫ મિનિટનો વિરામ રહેશે અને ત્યારબાદ ગૃહની બેઠક મળશે. રાજ્યપાલના સંબોધન માટેના આભાર પ્રસ્તાવની રજૂઆત કરાશે. કામકાજ સલાહકાર સમિતિની બેઠકનો અહેવાલ રજૂ કરવામાં આવશે.
બંધારણના ૧૨૬માં સુધારાને બહાલી આપતો પ્રસ્તાવ મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા રજૂ કરવામાં આવશે. જેમાં લોકસભામાં તેમ જ રાજ્યોની વિધાનસભામાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે બેઠકોના આરક્ષણ માટેની મુદત. ૨૫/૦૧/૨૦૨૦ના રોજ પુરી થાય છે, તે મુદત વધુ ૧૦ વર્ષ લંબાવવા માટેનો આ બંધારણીય સુધારો છે. જેને સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો છે.
આ વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલતા પહેલાં બંધારણના અનુચ્છેદ ૩૬૮ મુજબ દેશના ઓછામાં ઓછા 50 ટકા વિધાનમંડળોએ તે અંગે રિઝોલ્યુશન પસાર કરી બહાલી આપવી જરૂરી છે. આ હેતુ માટે આજે આ એક દિવસીય સત્રમાં કાર્યવાહી હાથ ધરાશે છે. જે માટે અંદાજે ૧ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. ત્યારબાદ સીટીઝન એમેન્ડમેન્ટ એકટ, ૨૦૧૯ લાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન આપતો ગૃહ રાજ્યપ્રધાનનો પ્રસ્તાવ હાથ ધરવામાં આવશે, જે માટે પણ અંદાજે ૨ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. ત્યારબાદ સભાગૃહની બેઠકો તારીખ ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી મુલતવી રાખવામાં આવશે.
બજેટ સત્રની કામગીરીના સંદર્ભમાં ગૃહની બેઠક પુન: 24 ફેબ્રુઆરી ૨૦૨૦થી મળશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન નીતિનભાઇ પટેલ વર્ષ ૨૦૧૯-૨૦નું ખર્ચનું પૂરકપત્ર તથા વર્ષ-૨૦૨૦-૨૧નું અંદાજપત્ર તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ રજૂ કરશે અને તા. ૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ સત્ર સમાપ્ત થશે.