અમદાવાદ : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ કોરોના વાયરસનું સંક્રમણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે. આ તમામની વચ્ચે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ ગુજરાત NSUI (National Students' Union of India) આક્રોશના માહોલમાં જોવા મળી રહ્યું છે.
ગુજરાત NSUI દ્વારા શિક્ષણ પ્રધાન અને શિક્ષણ વિભાગને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષા રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવશે.
ગુજરાત પ્રદેશ NSUIના મહામંત્રી ભાવિક સોલંકીએ શિક્ષણ પ્રધાન અને શિક્ષણ વિભાગને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સાથો સાથ ગુજરાતમાં અતિભારે વરસાદ હોવાથી અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતી હોવાને કારણે ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષા રદ્ કરવામાં આવે તેવી માંગ કરી છે. શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના સાથે સ્વાથ્ય સાથે ચેડા કરી રહી છે. કોરોનાનું સંક્રમણ તથા અતિભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ ભોગ બનશે, તો જવાબદાર કોણ રહેશે? તેવા અનેક સવાલો કરવામાં આવી રહ્યાં છે.