- નારણપુરામાં હવે ફ્રીમાં થશે કિડનીના દર્દીઓનું ડાયાલીસીસ
- કામેશ્વર મેડિકલ સેન્ટર દ્વારા ડાયાલીસીસ સેન્ટરની કરાઈ શરૂઆત
- સરકારી યોજનાઓનો લાભ લઇ દર્દીઓ ફ્રીમાં કરાવી શકશે ડાયાલીસીસ
અમદાવાદ: રાજ્યમાં આરોગ્યને લઇને દર્દીઓ સારવાર માટે પહેલી પસંદગી અમદાવાદ શહેરની કરે છે ત્યારે શહેરમાં દર્દીઓને સુવિધા માટે વધુ એક ડાયાલીસીસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. કામેશ્વર મેડિકલ સેન્ટર દ્વારા કામેશ્વર કીડની ડાયાલીસીસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કામેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા હાલ ઘણી સેવાઓ દર્દીઓને આપવામાં આવે છે ત્યારે દર્દીઓની સુવિધામાં વધારો કરતાં હવે કિડની ડાયાલીસીસ સેન્ટરની પણ શરૂઆત કરવામાં આવી છે. કામેશ્વર ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી દર્દીઓની સેવામાં કાર્યરત છે ત્યારે હવે નવા આધુનિક કીડની ડાયાલિસિસ સેન્ટરની પણ શરૂઆત વધુ 3.5 કરોડ રુપિયાના ખર્ચે કરવામાં આવી છે. જેમાં દર્દીઓની સુવિધા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ પણ લાગુ કરવામાં આવી છે. દર્દીઓ આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના થકી નિઃશુલ્ક ડાયાલિસીસ કરાવી શકશે.
ટ્રસ્ટ દ્વારા સંચાલિત મેડિકલ સેન્ટરમાં સ્વચ્છતા મુખ્ય છેઃ યશવંત શુક્લ
ગુજરાત રાજ્યમાં ચેરિટી કમિશ્નર યશવંત શુકલના હસ્તે કામેશ્વર કિડની ડાયાલીસીસ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે યશવંત શુક્લે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા સંચાલિત મેડિકલ સેન્ટરમાં સ્વચ્છતા મુખ્ય છે. શહેરમાં દર્દીઓને ડાયાલીસીસ કરવું સહેલું થયું છે. કામેશ્વર કિડની ડાયાલીસીસ સેન્ટરની શરૂઆત થતાં જ હવે દર્દીઓને તેમાં ડાયાલિસિસની સુવિધા મળશે. આ ડાયાલીસીસ સેન્ટર ખાતે દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.