- ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી આગેવાનોનું ડેલીગેશન કલેક્ટર, એસપીને મળ્યુ
- આદિવાસી આગેવાનોએ સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ સાથે ન્યાયની કરી માંગ
- સંતોષકારક તપાસ ન થાય, તો આંદોલનની ચીમકી
નવસારી : ચીખલી પોલીસ મથક(chikhli police station)માં બે આદિવાસી યુવાનોના આપઘાત પ્રકરણમાં આજે વાંસદાના કોંગી ધારાસભ્ય સાથે આદિવાસી આગેવાનોનું એક ડેલીગેશન જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને મળ્યુ હતુ અને જવાબદારો સામે માનવ વધ અને એટ્રોસિટી એક્ટ(atrocity act) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માગ કરી હતી. સાથે જ જો સંતોષકારક તપાસ ન થાય, તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચો- વાપીના ડુંગરામાં સાપ્તાહિક ન્યૂઝપેપરના પત્રકાર સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
આદિવાસી યુવાનોને માર માર્યો હોવાની પણ થઈ રજૂઆત
ચીખલી પોલીસે ચોરીના ગુનામાં ડાંગ જિલ્લાના વઘઇથી ઉઠાવેલા બે શકમંદ આદિવાસી યુવાનોએ ચીખલી પોલીસ મથકના જ કોમ્પ્યુટર રૂમમાં વાયરથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતુ. સમગ્ર ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા, પરંતુ એમની સામે કોઈ સખત કાર્યવાહી ન થતા આજે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રાજ્યસભાના પૂર્વ ભાજપી સાંસદ કાનજી પટેલ, રૂઢિગત ગ્રામસભાના પ્રમુખ રમેશ પટેલ સહિતના આદિવાસી આગેવાનોનું એક ડેલીગેશન આજે નવસારી જિલ્લા કલેક્ટર અમિત યાદવ અને પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયને મળ્યુ હતુ.
જો સંતોષકારક કાર્યવાહી ન થાય, તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી
આ પોલીસે ચીખલી પોલીસ મથકમાં બે આદિવાસી યુવાનોના આપઘાત પ્રકરણમાં જવાબદારો સામે સખત કાર્યવાહી કરવાની માગણી કરી હતી. જેમાં પોલસી કર્મીઓની બદલી અને ફરજ મોકૂફી સામે અસંતોષ વ્યક્ત કરી, જવાબદાર કર્મીઓ સામે માનવ વધ અને એટ્રોસિટી એક્ટ (atrocity act)હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ જો સંતોષકારક કાર્યવાહી ન થાય, તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
પ્રદેશ ભાજપ પ્રમુખે કોઈપણ ચમરબંધીને ન છોડવા ગૃહ પ્રધાનને કરી રજૂઆત
બીજી તરફ જિલ્લા ભાજપે પણ આદિવાસી યુવાનોના પડખે હોવાની વાત કરી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર પાટીલે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા (Home Minister Pradipsinh Jadeja )ને કોઈપણ ચમરબંધને બક્ષવામાં ન આવે, એવી રજૂઆત કરી હતી. સાથે જ ડાંગના ભાજપી આગેવાનોએ મૃતક યુવાનોના પરિજનોને મળીને સાંત્વના આપી, બન્ને યુવાનોને ન્યાય મળે અને તટસ્થ તપાસ થાય એવુ આશ્વાસન પણ આપ્યુ હતુ.
આ પણ વાંચો- મહિલાને અપશબ્દ બોલાયા અને મહિલાએ એટ્રોસિટી હેઠળ ફરિયાદ કરી
સમગ્ર મુદ્દે ચાર કક્ષાએથી થઈ રહી છે તપાસ - DSP
આદિવાસી આગેવાનોની કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાથે બેઠક બાદ સમગ્ર મુદ્દે જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે ચાર કક્ષાએથી તપાસ થઈ રહી હોવાનું જણાવ્યુ હતુ. જેમાં અકસ્માત મોતની તપાસ, પોલીસ કર્મીઓ સામે ખાતાકીય તપાસ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કક્ષાની તપાસ અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ પણ સમગ્ર મુદ્દે તપાસ કરશે. જેથી તટસ્થ તપાસ થશે અને કોઈપણ કસૂરવાર હોય એને છોડવામાં નહીં આવે.