- HDFI સંસ્થા ગુજરાત દ્વારા માસ્ક અવેરનેસ કાર્યક્રમ
- સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયો કાર્યક્રમ
- માસ્ક નહીં પહેરનારા લોકોવે કરાયું માસ્ક વિતરણ
- સાબરમતી પોલીસ સ્ટેશનના સહયોગ સાથે યોજાયો કાર્યક્રમ
અમદાવાદ: ગુજરાતની અગ્રણી સંસ્થા હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને અમદાવાદ સાબરમતી પોલીસના સમન્વયથી શનિવારે લોકોમાં માસ્ક અંગે જાગૃતતા લાવવા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં પોલીસે પણ વાહનચાલકો અને લોકોને દંડ કરવાને બદલે સંસ્થા સાથે મળી માસ્ક વિતરણ કર્યા હતા.
પોલીસ અને સંસ્થાના કાર્યકર્તાઓ પ્રજા વચ્ચે પહોંચ્યા
આ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી વિસ્તારમાં હ્યુમન ડેવલોપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. સાબરમતી પોલીસ સ્ટેશનના PI આર.એચ.વાળા, HDFI અમદાવાદના પ્રમુખ અંજલી કૌશિક, હર્ષ કૌશિક, સાબરમતી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર એચ વાળા, સાબરમતી વિસ્તારના HDFIના કન્વીનર કમલેશભાઈ મુકતાની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો. સાબરમતી અને શાહીબાગ વિસ્તારોમાં મોટે પાયે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વચ્ચે સંસ્થા સતત કાર્યશીલ રહી છે. ત્યારે પોલીસ અને સંસ્થાના સમન્વયથી નવા અભિગમ સાથે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.
નવા અભિગમ સાથે માસ્ક અવેરનેસ કાર્યક્રમ
કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉન હટાવ્યા બાદ સામાન્ય રીતે પોલીસ માસ્ક ન પહેરનારા વ્યક્તિઓ પાસેથી દંડ વસુલે છે. પરંતુ શનિવારે યોજાયેલા માસ્ક અવેરનેસ કાર્યક્રમમાં નવા અભિગમ સાથે સંસ્થા અને પોલીસે માસ્ક વિતરણ કર્યુ હતુ. આ વખતે લોકો પાસેથી દંડ લીધા વગર તેમને કોટનના માસ્ક આપ્યા અને કોરોનાથી રક્ષણ મેળવવા માસ્ક પહેરવાનો નિયમ પાળવાની અપીલ કરવામાં આવી હતી.
પોલીસકર્મીઓને ખાખી માસ્કનું વિતરણ કરાયું
સંસ્થા દ્વારા લોકોની સાથે સાબરમતી પોલીસ સ્ટેશનમાં પણ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા તમામ પોલીસ કર્મીઓને 200 જેટલા ખાખી માસ્ક પણ વિતરણ કરવામાં આવ્યા છે. તો સંસ્થા તરફથી કોરોના મહામારીમાં અગત્યની ભૂમિકા ભજવનારી સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળાનું સન્માન પણ કરવામાં આવ્યું છે. તેમને સંસ્થા વતી કોરોના વોરિયર્સનું સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મહિલા પોલીસ કર્મીઓનો સહયોગ
સમગ્ર આયોજનમાં મહિલા પોલીસે પણ પોતાનું વિશેષ યોગદાન આપ્યું હતું. મહિલા પોલીસ કર્મીઓ પણ માસ્ક અવેરનેસ કાર્યક્રમમાં જોડાયા હતા. લોકોને કોરોના ગાઈડલાઈન વિશે સમજણ આપી હતી. શહેરના ટોરેન્ટ પાવર બ્રીજ નીચે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસ અને શાહીબાગ ડફનાળા ટ્રાફિક એફ ડિવિઝન પોલીસ ચોકીમાં પણ વોશેબલ ખાખી રંગના કોટનના માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
HDFI સંસ્થાના અમદાવાદ વિભાગના મહિલા પ્રમુખ અંજલી કૌશિકે જણાવ્યું હતું કે, સાબરમતી વિસ્તારની પોલીસ સાથે શનિવાર વિશેષ માસ્ક અવેરનેસ ઝુંબેશ હાથ ધરી હતી. જે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોની પોલીસ સાથે રહીને પણ લોકોમાં કોરોના ગાઈડલાઈન અંગેની સમજૂતી કેળવાય અને લોકો માસ્ક પહેરતા થાય, તેમજ કોરોનાની માગદર્શિકા અગેના નિયમો પાળતા થાય તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. આ સાથે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસ જવાનોને પણ સંસ્થાએ પ્રમાણપત્ર આપી, તેમનું બહુમાન કર્યુ છે.