અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં હિંમતલાલ બાપાલાલની ચાલીમાં એક ઘરડા માતા-પિતા રહે છે. આ માતા-પિતાને 6 દીકરી અને 2 દીકરા હતા. ત્યારે 2002ના વર્ષમાં નાનો દીકરો રાજેશ વાઘેલા અયોધ્યા રામ જન્મભૂમિનું પૂજન કરવા ગયો હતો. ઘરેથી ખુશીપૂર્વક ભગવાનના હવનમાં ભાગ લેવા ગયો હતો. પરંતુ માતા-પિતાને ક્યાં ખબર હતી કે જે તેમનો આધાર છે, તે દીકરો જશે તો તેવો હંમેશા માટે નિરાધાર થઈ જશે.
ઘરેથી નીકળ્યા બાદ અયોધ્યા હવનમાં ભાગ લઈ રાજેશ પરત અમદાવાદ ફરી રહ્યો હતો, ત્યારે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના s-6 કોચમાં બેસીને રાજેશ આવી રહ્યો હતો. તે સમયે જ ગોધરા કાંડ થયો હતો અને ટ્રેન સળગાવવામાં આવી તેમાં રાજેશ પણ સળગી ગયો હતો અને તેનું માથું પણ કપાઈ ગયું હતું. ઘરના સભ્યોને રાજેશે ગોધરાથી જ જણાવ્યું હતું કે તે ઘરે આવી રહ્યો છે, જેથી તેનો પરિવાર તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, પરંતુ અચાનક જ પોતાના જવાન દીકરાનું મોત થયું છે, તેવા સમાચાર સાભળતા જ જાણે પરિવાર પર આફ્ટનો પહાડ વરસ્યો હતો.
દીકરો મૃત પામ્યો ત્યારે દીકરાની પત્ની ઘરે હતી, શરૂઆતમાં ઘરે રહી અને જ્યારે આર્થિક સહાયની રકમ મળી તે લઈને વહુ પિયર જતી રહી અને ક્યારેય પરત નહોતી, ફરી ત્યારથી પરિવાર આર્થિક સંકડામણ વચ્ચે ગુજરાન ચલાવી રહ્યો છે. 70 વર્ષીય વૃદ્ધ માતા-પિતાને તેમની દીકરી રાખી રહી છે. 2 વર્ષ અગાઉ જ વૃદ્ધ પિતાને લકવો થયો ત્યારથી પથારી વશ છે. જ્યારે માતાને ચાલવામાં તકલીફ, ડાયાબીટીસ અને બીજી અન્ય બીમારી છે.
વૃદ્ધ માતાએ રડતા-રડતા પોતાની વેદના જણાવતા કહ્યું કે, દીકરો ઘરે આવું છું, કહીને મોતને ભેટ્યો હતો, ત્યારથી તેઓ દીકરાની રાહ જોઈ રહ્યા હતા. દીકરો મરી ગયો ત્યારે મૃતદેહ પણ જલ્દી મળ્યો નહોતો. જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે તેમાં ધડ જ હતું, ધડથી અને ચપ્પલ પરથી મૃતદેહને ઓળખ્યો હતો. દીકરો ગુમાવ્યો તેનું દુઃખ જરૂર છે, પરંતુ હવે રામ મંદિર બનવા જઈ રહ્યું છે તેની ખુશી પણ છે.
પિતાએ પણ જણાવ્યું કે, દીકરો મૃત થયો તેનું દુઃખ જરૂર છે. પરંતુ તે વાતનો આનંદ છે કે દીકરાનું બલિદાન વ્યર્થ નથી ગયું. દીકરો જે મંદિર માટે ગયો હતો તે મંદિર હવે બનશે એટલે દીકરાની આત્માને જરૂર શાંતિ મળશે. વૃદ્ધ પિતાને સરકાર તરફથી આજે સહાયની અપેક્ષા છે, સહાય મળે તો તેઓ તેમનું ગુજરાન આસાનીથી ચલાવી શકે.
ગોધરાકાંડમાં અનેક પરિવારોએ કોઈને ગુમાવ્યા છે, ત્યારે આજે જે મંદિર માટે લોકોએ બલિદાન આપ્યું હતું. તેનો લોકોને આનંદ છે, પણ અનેક પરિવારોને વધુ આનંદ છે, આજે પરિવારમાં મોભી નથી. પરંતુ મોભીએ આપેલ બલિદાન વ્યર્થ નથી જઇ રહ્યું તેની ખુશી પણ છે.