- કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓ માટે શરૂ કરાઈ ખાસ વ્યવસ્થા
- રામોલ પોલીસ સ્ટેશનમાં આઇસોલેસન રૂમ બનાવવામાં આવ્યો
- જેમાં 5 નોર્મલ બેડ અને 2 ઑક્સિજન બેડ તૈયાર કરાયા
અમદાવાદ: શહેરની રામોલ પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં કોરોનાગ્રસ્ત પોલીસ કર્મીઓ માટે આઇસોલેસન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પહેલી વખત પોલીસ સ્ટેશનમાં આઇસોલેસન રૂમ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પાંચ નોર્મલ આઇસોલેસન બેડ અને બે ઑક્સિજન બેડ બનાવવામાં આવ્યા છે. પોલીસકર્મીને કોરોનાની અસર થાય અને ઘરે આઇસોલેશનમાં ન રહી શકે તેમ હોય તો તેમને અહીં રાખવામાં આવશે. બીજી તરફ ડૉક્ટર દિવસ દરમિયાન વિઝિટ પણ કરશે જે પોલીસ કર્મીઓ આઇસોલેસનમાં રહેશે તેમને નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવશે.
વધુ વાંચો: કોરોના સામેની લડતમાં અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશન 30 એપ્રિલ સુધી બંધ પાળશે
300થી વધારે પોલીસકર્મી કોરોના પોઝિટિવ
શહેરમાં કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે ત્યારે સામાન્ય લોકોને દાખલ થવા માટે હોસ્પિટલમાં જગ્યા નથી, ઑક્સિજન નથી મળી રહ્યો એવામાં શહેર પોલીસ વિભાગમાં હાલ 300થી વધુ પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સારી બાબત એ છે કે માત્ર ત્રણ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે. આથી જ્યારે પોલીસકર્મીને કોરોનાની અસર થશે તો તેમને તાત્કાલિક સારવાર માટે આઇસોલેસન રૂમમાં રાખવામાં આવશે આ ઉપરાંત તેઓને રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં ઝોન 5ના જે પણ પોલીસકર્મી કોરોના પોઝિટિવ આવશે તેમને પહેલા અહીં આઇસોલેસન રૂમમાં રાખવામાં આવશે.