- કોરોના વચ્ચે પણ મ્યુકરમાઇકોસીસની બીમારી થઈ શકે છે
- બચવા માટે મોઢાની સફાઈ રાખવી અત્યંત જ જરૂરી છે
- નાકમાં પણ એન્ટી ફંગલ ડ્રોપ્સનો ઉપયોગ કરવો હિતાવહ
અમદાવાદ: મ્યુકરમાઇકોસીસ સામાન્ય ફંગસ છે. સામાન્ય રીતે અપણા બધાના મોઢામાં ઘણા બધા ફંગસ, બેક્ટેરિયા હોય જ છે. જોકે, નિયમિત સફાઈને કારણે તે ઘાતક સ્વરૂપ સુધી પહોંચતો નથી. જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે દર્દીના મોઢાના ભાગમાં ઓરલ ઇન્ફેક્શન કહેવાય છે. મ્યુકરમાઇકોસીસ સામાન્ય રીતે મોઢા એટલે કે ઓરલ પાર્ટ ઉપર હુમલો કરે છે. આ ફંગસ દાંતના રૂટમાં થઈને મેગેઝીલરી સાઈનસ અને અન્ય સાઈનસમાં ફેલાય છે અને અંતે આંખ સુધી પહોંચે છે. આ સ્ટેજને પ્રાયમરી સ્ટેજ કહેવામાં આવે છે. આ સ્ટેજમાં સામાન્ય રીતે ગાલ ઉપર થોડો સોજો આવે છે. પછી તેની અસર મગજ ઉપર થાય છે. જેને ટર્શરી સ્ટેજ કહેવામાં આવે છે. પ્રાયમરી તબક્કાએ જો એન્ટી ફંગલ અને એન્ટી બાયોટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તેના પણ સારા પરિણામો મળે છે.
મ્યુકરમાઇકોસીસની સારવારમાં ઇન્જેક્શનની જરૂર ક્યારે ?
જો દર્દીને સતત માથાનો દુઃખાવો રહેતો હોય, બેભાન અવસ્થા જેવી પરિસ્થિતિ અને ખાવાપીવાનું બંધ થઈ જાય અને જ્યારે મગજ સુધી ફંગસ પહોંચે ત્યારે સારવારમાં ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. ઘણી વખત ડોકટર્સ દર્દી આ સ્થિતિ સુધી ન પહોંચે તે માટે પણ ઇન્જેક્શન પહેલાથી આપવાનું પ્રિફર કરતા હોય છે, પરંતુ એ નિર્ણય ડોક્ટરનો જ હોઈ શકે.
મ્યુકરમાઇકોસીસ સમયે કયા પ્રકારનું ખાનપાન હોવું જોઈએ ?
મ્યુકરમાઇકોસીસના કિસ્સામાં દર્દીઓએ બને ત્યાં સુધી મીઠી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. મીઠાઈ, આઈસ્ક્રીમ, જેવી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ અથવા તો તેનું સેવન કર્યા બાદ તુરંત જ મોઢું સાફ કરવું જોઈએ. મ્યુકરમાઇકોસીસ એ ફંગસ વાળી બીમારી છે, એટલે મીઠું ખાવાથી એ વધુ પ્રસરવાની સંભાવના હોય છે.
કોરોના- ડાયાબિટીસ- મ્યુકરમાઇકોસીસ વચ્ચે કનેક્શન છે
ડૉ. સુભાષ અગ્રવાતે જણાવ્યું હતું કે, આંકડાકીય રીતે એવું કહી શકાય કે કોરોના- ડાયાબિટીસ- મ્યુકરમાઇકોસીસ વચ્ચે કઈંક કનેક્શન છે. સામાન્ય ઇન્ફેક્શનમાં દાંતમાં જ દુઃખાવો હોય છે, પરંતુ જ્યારે ડોકટર દ્વારા તપાસ કરવામાં આવે ત્યારે જ કહી શકાય કે, તે ઇન્ફેક્શન સામન્ય છે કે મ્યુકરમાઇકોસીસ છે.
શું કોરોના વચ્ચે પણ મ્યુકરમાઇકોસીસ થઈ શકે ?
ડૉ. અગ્રવાતે વધુમાં કહ્યું હતું કે, મારા વ્યક્તિગત અનુભવ પ્રમાણે ઘણા એવા કેસ આવ્યા છે કે જેમાં વ્યક્તિને કોરોના હોય ત્યારે પણ મ્યુકરમાઇકોસીસ થઈ જાય. પણ મોટા ભાગના કેસોમાં કોરોના બાદ જ મ્યુકરમાઇકોસીસ થાય છે. સારી બાબત એ છે કે, મ્યુકરમાઇકોસીસની મગજ ઉપર અસર થાય તેની ટકાવારી માત્ર 2 જ ટકા છે.
લોકોએ આ બીમારીથી બચવા શું કરવું જોઈએ ?
ડૉ. અગ્રવાત લોકોને સલાહ આપે છે કે, પોતાના ઓરલ પાર્ટ્સની સફાઈ રાખવી, એન્ટિસેપ્ટિક જે બજારોમાં મળે છે તેના બે થી ત્રણ વખત કોગળા કરો. નાક માટે પણ બજારમાં એન્ટીફંગલ ડ્રોપ મળે છે તેનો ઉપયોગ કરી શકાય.