અમદાવાદઃ શહેરમાં લોકડાઉન બાદ તસ્કરો બેફામ બન્યા છે. કેટલાક ગઠિયાઓ જ્યાં હાથ સાફ કરવાની તક મળે ત્યાં ચોરી કરીને પલાયન થઈ જતાં હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે શહેરના ઓઢવમાં સબમર્સિબલ પંપની પેનલ બનાવવાનું કારખાનું ધરાવતા દિવ્યાસ ભંડેરીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના કારખાનામાં રણજીતસિંહ દેવાશી અને પ્રદીપસિંહ રાજપૂત નામના કારીગરો હતા. જેમાં પ્રદીપસિંહ છેલ્લા એક વર્ષથી બેંકનું કામકાજ તેમજ પાર્સલ લેવા મુકવાનું કામકાજ સંભાળી રહ્યો હતો.
5મી સપ્ટેમ્બરે તેઓ બપોરે ઘરે જમવા માટે ગયા તે સમયે રણજીતસિંહનો ફોન આવ્યો હતો કે, પ્રદીપસિંહે તેને 20 રૂપિયા આપીને દાળવડા લેવા માટે મોકલ્યો હતો. જોકે, જ્યારે તે પરત આવ્યા ત્યારે પ્રદીપસિંહ કારખાનામાં હાજર ન હતા. જેથી ફરિયાદી કારખાનામાં પરત આવી ને ઓફિસમાં તપાસ કરતા રોકડા રૂપિયા 1 લાખ અને પેનલના ત્રણ પાર્સલ જેની કિંમત રૂપિયા 81 હજાર થાય છે. જે મળી આવ્યું ન હતું. જેથી ફરિયાદીએ પ્રદીપસિંહને ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.
ફરિયાદીએ પ્રદીપસિંહના પિતાને ફોન કરતા તેમણે ફરિયાદીને સમાધાન માટે રાજસ્થાન બોલાવ્યા હતા. જો કે, ફરિયાદી રાજસ્થાન પહોંચી પ્રદીપસિંહના પિતા ને ફોન કરતા તેમનો મોબાઈલ પણ સ્વિચ્ ઓફ આવતો હતો. જેથી ફરિયાદીએ ઓઢવ પરત આવી પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.