અમદાવાદ: સરકારી અથવા ખાનગી માલિકીની ખુલ્લી જગ્યાઓ પર કોઇપણ પ્રકારનું દબાણ કે ગંદકી ના થાય એ માટે જુદી જુદી સૂચનાઓના પાટિયા લાગેલા જોવા મળે છે. પાટિયાઓમાં ક્યાંક વિનંતીનો ભાવ તો ક્યાંક કાયદેસરની કાર્યવાહીની નોટિસો લગાડવામાં આવે છે. પરંતુ અમદાવાદના એક ફાર્મ હાઉસના બોર્ડ પર ગંદકી કરનારાનું 'અપમાન' કરવાની સૂચના જોવા મળી છે.
શહેરના માર્ગો પરથી પસાર થતાં કેટલાક સ્થળોએ રમુજી તો ક્યાંક આશ્ચર્ય પામે એવા બોર્ડ જોવા મળે છે. શહેરના બહેરામપુરાથી પીરાણા ડમ્પીંગ સાઇટ તરફ જતાં માર્ગ પર આવેલા એક ફાર્મ હાઉસના બોર્ડ પર રમૂજ સાથે આશ્ચર્ય પામે એવું બોર્ડ લગાડવામાં આવ્યું છે. આ બોર્ડમાં લખ્યું છે કે, ' અહિયા કોઇપણ વ્યક્તિએ કચરો નાંખવો નહીં. જો કોઈ વ્યક્તિ પકડાશે તો અપમાન કરી નાંખવામાં આવશે.' કોઇના હુકમથી લગાડવામાં આવેલા આ નોટિસ બોર્ડની ચારેબાજુ ગંદકી તો છે, સાથે થોડા જ મિટરના અંતર પર મોટી ડમ્પીંગ સાઇટ છે. આ ડમ્પિંગ સાઈટ પરથી કચરો ભરેલી હજારો ટ્રકો પસાર થાય છે. આ કચરો ભરેલી ટ્રકોમાંથી કચરો ન ફેલાય માટે નોટીસ બોર્ડ પર ધમકી ભરેલું સુચન લખવામાં આવ્યુ છે.
જોકે નોટિસ બોર્ડની હુકમથી લખેલી ધમકી વાંચી પસાર થતાં લોકો વિચારે છે કે, અહીં ગંદકી કરનારા સાથે કેવા પ્રકારનુ અપમાન થતું હશે?