- પૈસા નથી એવું બહાનું હવે ટ્રાફિક પોલીસ નહીં ચલાવી લે
- ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો સ્થળ ઉપર જ દંડ ભરવો પડશે
- ટ્રાફિક પોલીસ પી.ઓ.એસ મશીન દ્વારા દંડ વસૂલવાનું શરૂ કરશે
અમદાવાદ : ટ્રાફિક નિયમોનો ભંગ કર્યા બાદ પોલીસના હાથે પકડાઈ જતા લોકો બહાના કરતા હતા કે, તેમની પાસે રોકડા રૂપિયા નથી. આ ઉપરાંત ઓનલાઈન પૈસા ભરતા પાવતી ન મળતી હોવાના બહાના પણ તેઓ કરતા હતા. જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે નવા 150 પી.ઓ.એસ મશીન ખરીદ્યા છે. આ મશીન દ્વારા નિયમોનો ભંગ કરનારા લોકો પાસે જો રોકડ નહિ હોય તો સ્થળ પર જ ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ વડે જ દંડ વસૂલ કરીને તેમને પાવતી પણ આપી દેવામાં આવશે. જેથી હવે, અમદાવાદમાં કોઈ જગ્યાએ દંડની રકમથી બચવા માટેના બહાના નહિં ચાલે.
લોકો હવે ડિજિટલ માધ્યમો તરફ વધી રહ્યા છે
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધી કરોડો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ત્યારે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ 150 પી.ઓ.એસ મશીનોથી અગાઉનો બાકી દંડ પણ વસૂલ કરશે. હાલમાં માસ્કનો દંડ, સિગ્નલ ભંગ, હેલ્મેટ ન પહેર્યું હોય તે માટેનો દંડ વસૂલાશે. આ સાથે મશીનોમાં ફોટા પણ પાડી શકાશે. જેથી કોઈ વ્યક્તિ આનાકાની કરે તો તેને પુરાવા તરીકે ફોટો પાડીને બતાવી શકાશે. છેલ્લા એક વર્ષમાં શહેરીજનોએ 5 કરોડથી વધારે દંડ મોબાઇલ એપ દ્વારા ભર્યો છે. જેના પરથી સ્પષ્ટપણે કહી શકાય છે કે, લોકો હવે ડિજિટલ માધ્યમો સ્વિકારી રહ્યા છે. પોલીસ દ્વારા આ મશીનો વડે દંડ પણ ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે.
માર્ગદર્શન માટે સેમિનારનું આયોજન
શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ટ્રાફિક વિભાગ સતત અપડેટ થતું રહે છે. આજે શુક્રવારે અમદાવાદ ખાતે આ મશીનને લઈને એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક જવાનોને પોલીસ કમિશનર દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમને જનતા સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ અને કઈ રીતે દંડ વસૂલ કરવો જોઈએ. તે તમામ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.