- રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં સત્તાના સૂત્રો બદલાશે?
- ભાજપ અને કોંગ્રેસ સાથે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરશે
- હવે AIMIM અને NCP પણ ચૂંટણી લડશે
અમદાવાદ : ગુજરાતની સમદ્ધ રાજ્ય તરીકેની છબિમાં રાજ્યના મોટા શહેરોનો સિંહફાળો છે. ત્યારે તેના વિકાસ અને સત્તાના સૂત્રો પરસ્પર સંકળાયેલા હોય તે સ્વાભાવિક છે. રાજ્યમાં કુલ 8 મહાનગરપાલિકામાંથી 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલમાં આવશે, જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી નહીં પણ વોર્ડનંબર 15 અને 6માં એમ બે વોર્ડમાં પેટા ચૂંટણી પણ યોજાનારી છે. જ્યારે જે મહાનગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણીઓ છે તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકા ચૂંટણીના દાયરામાં છે. શનિવારે 23 જાન્યુઆરી 2021ની સાંજે રાજ્ય ચૂંટણીપંચે રાજ્યની 6 મહાનગરપાલિકા, 83 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જેમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ 21 ફ્રેબ્રુઆરીએ અને નગરપાલિકા તથા જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ 23 ફેબ્રુઆરીએ જાહેર થશે અને નગરપાલિકા, જિલ્લા-તાલુકા ચૂંટણીના પરિણામ 2 માર્ચના રોજ જાહેર થશે.
મતગણતરીની તારીખોનો કોંગ્રેસને પડ્યો વાંધો
ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલી તારીખો અંગે વાંધો પણ ઉઠાવાયો છે. કોંગ્રેસે મતગણતરીની જુદીજુદી તારીખો અંગે વાંધોવિરોધ દર્શાવ્યો છે. કારણ કે, મહાનગરપાલિકા ચૂંટણીઓના પરિણામો વહેલાં જાહેર થઈ ગયાં, બાદ જિલ્લા તાલુકા ચૂંટણી મતદાન યોજાય તો મતદારો પર પ્રભાવ પડવાની શક્યતાઓ કોંગ્રેસને લાગી રહી છે. જેને લઇને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સુપ્રીમમાં જવાની તૈયારી કરી છે. પ્રભારી રાજીવ સાતવે પણ જણાવ્યું હતું કે, એક જ તારીખે ચૂંટણી પંચ મતગણતરી કરે અને મતગણતરીમાં તારીખમાં ફેરફાર નહીં થાય તો કોંગ્રેસ કોર્ટમાં જશે.
અમદાવાદ મહાનગરપાલિકાની સત્તા મોટી વાત
આ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીને અનુલક્ષીને જે તે શહેરની બેઠકો અંગે પણ જાણી લઇએ. અમદાવાદ મહાનગરપાલિકાના કુલ 48 વોર્ડ છે અને 192 બેઠક છે. જેમાં 2015માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ વિજયી નીવડ્યો હતો. ભાજપે 151 બેઠક કબજે કરી હતી જ્યારે કોંગ્રેસ પાસે 42 બેઠક રહી હતી. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો પૂર્વમાં 120 બેઠક છે અને પશ્ચિમમાં 72 બેઠક છે. ભાજપ અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાપીઠ પર 2005થી સતત જીતતો આવ્યો છે અને 2015 અને 1010માં તો 151 બેઠકોનો ચાંલ્લો મેળવેલો છે. કોંગ્રેસની વાત કરીએ તો 2010માં તેની પાસે 38 બેઠક આવી હતી અને 2015માં 41 બેઠક ફાળે આવી હતી.
AIMIMએ ખખડાવ્યાં છે ખાંડા
ગત ચૂંટણી સુધી તો અમદાવાદ પર કોનું રાજ રહેશે તેની હરીફાઈમાં ભાજપ અને કોંગ્રેસ જેવા બે સ્પષ્ટ પક્ષ હતાં જ્યારે 2021ની ચૂંટણીઓમાં મામલો થોડોક નોખો છે. રાજ્યના મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે તાજેતરમાં જ એઆઈએમઆઈએમ પક્ષ દ્વારા ઝૂકાવવામાં આવ્યું છે. અને એકસમયના ગુજરાત કોંગ્રેસના જાણીતા નેતા સાબીર કાબલીવાલાને પ્રદેશ અધ્યક્ષ બનાવી અમદાવાદની મહાનગરપાલિકા ચૂંટણીઓમાં પક્ષના નેજા હેઠળ 15 વોર્ડમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે. આ પક્ષ પર ભાજપની બી ટીમ હોવાના આક્ષેપ છે ત્યારે કાબલીવાલાએ ચોખ્ખું કહ્યું હતું કે તેમનો પક્ષ ભાજપની બી ટીમ નથી પણ ગુજરાતમાં ભાજપની સામે લડવા માટે આવ્યો છે. પક્ષપ્રમુખ અસદદુદ્દીન ઓવૈસી આગામી દિવસોમાં પક્ષ પ્રચાર માટે ગુજરાત પણ આવશે. એઆઈએમઆઈએમ દ્વારા અમદાવાદ ઉપરાંત ભરુચમાં પણ ચૂંટણી લડવામાં આવનાર છે.
ભાજપ માટે આપ બનાવશે કપરાં ચઢાણ
ભાજપની સામે આ વખતની ચૂંટણીઓમાં વધુ એક પડકાર આમ આદમી પાર્ટીનો સામે આવ્યો છે. આપ દ્વારા તો ભાજપની પણ પહેલાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે અને રાજ્યની વિવિધ સંસ્થાઓની ચૂંટણી માટે 693 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી ચૂકી છે. એટલે કે મુખ્ય તો ભાજપ સામે આપ પણ જોરશોરથી સ્થાનિક ચૂંટણીઓમાં મેદાનમાં ઉતરી રહી છે. ત્યારે મુખ્ય સત્તાધારી પક્ષ ભાજપને માટે કપરાં ચઢાણ બની રહેવાના છે તે નક્કી છે.
વડોદરામાં ભાજપને કોણ આપશે કાંટાની ટક્કર
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીની વાત કરીએ તો ભાજપનો દબદબો અહીં પણ છે. કુલ વોર્ડ 19 અને કુલ બેઠક 76 છે. વડોદરામાં તાજેતરમાં પૂર્ણ થઈ તે ટર્મમાં બોડી ભાજપની જ હતી. જેમાં ભાજપ પાસે કુલ 58 બેઠક અને કોંગ્રેસ પાસે 13 બેઠક છે. જ્યારે આરએસપી પાસે 4 બેઠકો હતી. આપને માધ્યમો દ્વારા જાણવા મળ્યું હશે કે તાજેતરમાં જ આ આરએસપીના અધ્યક્ષ રાજેશ આયરે સહિત તેમના પક્ષના કોર્પોરેટરોએ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. ભાજપ દ્વારા શહેરની તમામે તમામ 76 બેઠકો જીતી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ કરતાં આપ દ્વારા કાંટાની ટક્કર અપાશે તેવો પાર્ટીનો જોશ દેખાઈ રહ્યો છે.
રૂપાણીના રાજકોટમાં સત્તાનો સ્વાદ કડવો તો નહીં બને ને?
રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો અહીંપણ સત્તાધારી બોડી ભાજપની હતી. રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડ છે અને 72 બેઠક છે. રાજકોટ મુખ્યપ્રધાન વિજય રુપાણીનું હોમ ગ્રાઉન્ડ પણ છે ત્યારે અહી સત્તા જાળવવી નાકનો સવાલ બની રહેશે. ગત ટર્મમાં ભાજપને રાજકોટ મહાનગરપાલિકા સેવાસદનની અંદર 38 બેઠકો પર સ્થાન મળ્યું હતું જ્યારે કોંગ્રેસને 34 બેઠકો મળી હતી.
સુરતમાં નવા સીમાંકન બાદ કોણ વધુ દબદબો દર્શાવશે?
હવે રાજ્યના ડાયમન્ડ હબ સુરતની વાત કરીએ તો કુલ 29 વોર્ડ છે અને 116 બેઠક હતી. પણ નવા સીમાંકન બાદ એક વોર્ડની સંખ્યા વધી હવે કુલ 30 અને બેઠકોની સંખ્યા 120 થઈ ગઇ છે. તેમ જ ગત ચૂંટણીમાં ભાજપને 89 અને કોંગ્રેસ37 બેઠકથી સંતોષ માની લેવો પડ્યો હતો. સુરતમાં મોટાભાગના ઉદ્યોગો કોરોના મહામારીના મારમાં ખળભળી રહ્યાં છે ત્યારે પરપ્રાંતીય મતદારોનો ઝોક મેળવશે તે પક્ષ જોરમાં રહેશે અને જીતશે એવું હાલના તબક્કે માનવામાં આવી રહ્યું છે.
ભાવનગરમાં ભાજપને ભારે પડે તેવી સ્થિતિ?
2021 મહાનગરપાલિકા ચૂંટણીઓમાં ભાવનગરની વાત કરીએ તો ત્યાં પણ ભાજપ સત્તાધારી પક્ષ બની રહ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકા સદનમાં કુલ વોર્ડ 13 છે જેમાં 52 બેઠકોનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીઓમાં ભાજપે 34 બેઠકો પર અને કોંગ્રેસ 18 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે ભાજપને માટે મતદારોનો મિજાજ સાનુકૂળ નહીં હોવાના વલણો સામે આવ્યાં છે ત્યારે ભાજપ માટે તેની હાલમાં છે એટલી બેઠકો પણ જાળવી રાખવી એ મોટો પડકાર બની રહેશે.
જામનગર મહાનગરપાલિકામાં કોનું જોમ બળૂકું રહેશે?
રાજ્યનું એક અતિમહત્ત્વનું ઔદ્યોગિક એકમ જ્યાં આવેલું છે તેવા જામનગર શહેરની મહાનગરપાલિકા ચૂંટણીની વાત હોય ત્યારે જાણવું રહ્યું તે અહીં કુલ 16 વોર્ડ છે અને 64 બેઠક છે. સત્તાના પલડાંની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા સેવાસદનમાં ભાજપના કુલ 48 સભ્યો બિરાજમાન છે અને કોંગ્રેસના કુલ 16 સભ્યો બિરાજમાન છે. જામનગરમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા સત્તાધારી ભાજપની ભોંય ભાંગવાની ભારે કોશિશ થશે તેમ મનાઈ રહ્યું છે.
જૂનાગઢમાં કયા પક્ષનું જોર વધુ તે જોવા મળશે
જૂનાગઢ મહાનગરપાલિકામાં સામાન્ય નહીં પણ પેટાચૂંટણી યોજાવાની છે. જૂનાગઢમાં પણ બોડી ભાજપની જ છે. કુલ વોર્ડ 15 છે પરંતુ પેટાચૂંટણી બે વોર્ડમાં જ યોજાવાની છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં કુલ 60 બેઠક છે. જેમાં ભાજપ પાસે 53 બેઠક છે અને એનસીપી પાસે કોંગ્રેસ કરતાં પણ વધુ-3 બેઠક છે. કોંગ્રેસ એક બેઠક પર સમેટાવાની હાલતમાં અસ્તિત્વ ધરાવી રહી છે. જૂનાગઢ શહેરના વોર્ડનંબર 15 અને 6માં એમ બે વોર્ડમાં પેટાચૂંટણી પણ યોજાનાર છે. આ પરિણામો સત્તાનો બદલાવ તો નહીં લાવે પણ પક્ષનું જોર વધારશે કે ઘટાડશે તે નક્કી છે.
રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યાએ ETV Bharat સાથેની ખાસ વાતચીત સાથે જણાવ્યું હતું કે છ મહાનગરપાલિકામાં અત્યાર સુધી તો ભાજપનું શાસન રહ્યું છે. પરંતુ 2015ના પાટીદાર આંદોલન છતાં ભાજપ સત્તા યથાવત જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. પણ આ વખતે ભાજપ માટે આકરાં ચઢાણ છે. સત્તાવિરોધી લહેર ઉપરાંત કોરોના મહામારી દરમિયાન પોલીસતંત્રની ભારે મનમાનીને લઇને શહેરી મતદારોમાં ભારે રોષ છે. જોકે લોકોમાં ભાજપની સામેનો ઘેર ઇઝ નો ઓલ્ટરનેટિવ જેવી સ્થિતિ છે. બીજી પાર્ટીઓ આવી છે તેનાથી કોંગ્રેસના મત કપાય તેવી શક્યતાઓ છે. AIMIM અને આપ આ બંને પક્ષનો ટાર્ગેટ મતદાર વર્ગ છે તે જોઇ તો તેનાથી કોંગ્રેસના મત કાપે તેવી પૂરી શક્યતાઓ છે. ઓવરઓલ એવું લાગે છે કે ભાજપ પોતાની સત્તા જાળવે તો ખરો પણ ક્યાંક કોઇ એકાદ મહાનગરપાલિકામાં આશ્ચર્યજનક પરિણામ મળે તો નવાઈ નહીં.
અમદાવાદથી પારુલ રાવલનો અહેવાલ