અમદાવાદઃ કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરીયાલ ‘નિશંક’ દ્વારા ભારતીય સંસ્થાઓ માટે એનઆઈઆરએફ ભારતીય રેન્કિંગના અહેવાલની ઘોષણા કરવામાં આવી છે. જેમા ગુજરાત રાજ્યની સૌથી જૂની અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીએ રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક એનઆઈઆરએફના અહેવાલ ભારત 2020માં ભારતની ટોચની 100 સંસ્થાઓની યાદીમાં 60મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જ્યારે ટોચની 100 યુનિવર્સિટીઓની યાદીમાં આઇઆઇટી ગાંધીનગર 44મા ક્રમે છે.
પ્રથમ વખત ગુજરાતના ઇતિહાસમાં કોઈ યુનિવર્સિટીએ આઇઆઇટી, ગાંધીનગર ઉપરાંત એનઆઈઆરએફની 100 ટોચની યાદીમાં આટલું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટીના ક્રમમાં થયેલા સતત વધારા પર શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીએ ફરી એકવાર લાખો વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ ફેકલ્ટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને દેશમાં પોતાનું નામ સ્થાપિત કર્યું છે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માટેની ભાવિ યોજના વિશે વાત કરતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ગુજરાત યુનિવર્સિટીને દેશની અને વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંની એક બનાવવા માટે કટિબદ્ધ છે. ગુજરાત યુનિવર્સિટી એ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે. જેમાં 326 કોલેજોમાં 4 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 62થી વધુ શૈક્ષણિક વિભાગ છે. યુનિવર્સિટીએ તાજેતરમાં પાર્ક ફોર ઔદ્યોગિક વિસ્તરણ અને સંશોધનની સ્થાપના કરી છે, જે કેમ્પસમાં સંશોધન પાર્ક ધરાવનારી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટી પાસે તેની અદ્યતન સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ જીયૂસેક ખાતે ત્રણ રાષ્ટ્રીય સ્તરે ભંડોળ મેળવનારા ઇન્ક્યુબેટર્સ, બે ફિનિશિંગ સ્કૂલ, કેમ્પસમાં બીએસએલ-2 સુવિધા અને ઓલિમ્પિક્સ-ધોરણવાળું 17થી વધુ રમતો માટેની સુવિધાઓ સાથે સરદાર પટેલના નામે આવનારી સ્પોર્ટસ સિટી છે.
આ વર્ષની શરૂઆતમાં ગુજરાત યુનિવર્સિટીને ગુજરાત રાજ્ય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક જીએસઆઈઆરએફમાં પ્રથમ ક્રમાંકની યુનિવર્સિટી જાહેર કરવામાં આવી હતી, જ્યાં ગુજરાત યુનિવર્સિટી રાજ્યની એકમાત્ર 5 સ્ટાર રેન્કિંગવાળી યુનિવર્સિટી તરીકે ઉભરી આવી હતી. જો કે, ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય એમએચઆરડી દ્વારા એનઆઈઆરએફ રેન્કિંગની રજૂઆત 2016માં કરવામાં આવી હતી. આ માળખામાં દેશભરની સંસ્થાઓને ક્રમ આપવા માટેની પદ્ધતિની રૂપરેખા આપવામાં આવી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા રચાયેલી કોર કમિટી દ્વારા ભલામણોથી વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને રેન્કિંગ આપવા માટેનું વ્યાપક માળખું બનાવવામાં આવ્યું છે.