- મહિલાએ પિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હતા
- દંપતી હવે સુરત જવા ઈચ્છે છે
- પાલનપુરમાં એફઆઈઆર થઈ હતી
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેંચ બનાસકાંઠાના આંતરધર્મીય દંપતીને બચાવવા માટે આગળ આવી છે. આ દંપતીમાં મહિલાએ પિતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હતા. જેને એક અઠવાડિયાથી વધુ સમય સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. કોર્ટે મંગળવારે આદેશ આપ્યો કે તેઓને તાત્કાલિક હાઈકોર્ટની બેંચ સમક્ષ રજૂ કરવામાં આવે અને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવે.
સુરત પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા
જસ્ટિસ સોનિયા ગોકાણીની આગેવાની હેઠળની ડિવિઝન બેંચ સમક્ષ સરકારી વકીલે ખાતરી આપી હતી કે, દંપતી હવે સુરતમાં રહેવા માગે છે. અને તેને પોલીસ કમિશનર દ્વારા પોલીસ સુરક્ષા આપવામાં આવે. તે સુરક્ષા શરૂઆતના ચાર અઠવાડિયા સુધી આપવામાં આવે. ત્યાર બાદ પોલીસ કમિશનર નક્કી કરશે કે હવે પછી સુરક્ષા ચાલુ રાખવી કે નહી.
દંપતીને પોલીસ કેરળથી લઈ આવી હતી
આ બનાવની વિગત એવી છે કે, આ કપલે ગયા વર્ષે 30 ડિસેમ્બરે રાજસ્થાનના આબુ રોડ સ્થિત એક મંદિરમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ હનીમૂન માટે કેરળ ગયા હતા. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં, ગુજરાત પોલીસે કેરળની યાત્રા કરી અને તેમને પાલનપુર પરત લાવ્યા હતા. બંનેને અલગ કરીને પાલનપુર પૂર્વ અને પાલનપુર પશ્ચિમમાં જુદાજુદા પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં મહિલાના પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે એફઆઈઆર નોંધાયા બાદ 15 જાન્યુઆરીએ તેમની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી. 18 જાન્યુઆરીએ ઘરપકડ કરાયેલા વ્યક્તિના ભાઈએ હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે અટકાયત ગેરકાયદે કરી છે. બીજા સમુદાયના તેના 29 વર્ષના બાળપણના મિત્ર સાથે લગ્ન કર્યા હતા. પછી તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.