- કોર્પોરેટર જતીન પટેલનું નામ મતદારયાદીમાંથી ગાયબ
- જતીન પટેલે પોતાના સ્વર્ગસ્થ પિતાનું નામ કમી કરવા કરી હતી અરજી
- કલેકટર કચેરી દ્વારા મોટી ભૂલ થઈ હોવાની શક્યતા
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલનું નામ આશ્ચર્યજનક રીતે મતદારયાદીમાંથી ગાયબ થયું છે. જતીન પટેલે પોતાના પિતા ઝવેર પટેલનું નામ મતદારયાદીમાંથી કમી કરવા માટે અરજી કરી હતી. પરંતુ ચૂંટણી પંચે તો તેમનું જ નામ મતદારયાદીમાંથી ઊડાવી દીધું છે.
માથે ચૂંટણી ઊભી છે ત્યારે જ મજબૂત દાવેદારના માથે નવું ટેન્શન
ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે 6 ફેબ્રુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ પહેલા જતીન પટેલનું નામ મતદારયાદીમાં નહીં હોય તો કાયદેસર રીતે તેઓ ઉમેદવારી નોંધાવી શકશે નહીં. જતીન પટેલ ઘાટલોડિયા વોર્ડના સક્ષમ અને ટિકિટના મજબૂત દાવેદાર છે. હવે, સામાન્ય વ્યક્તિએ જોવાનું એ છે કે જ્યારે સામાન્ય વ્યક્તિનું નામ આવી રીતે મતદારયાદીમાંથી ગાયબ થાય છે ત્યારે તેમણે ઘણા ધક્કા ખાવા પડે છે અને બહુ વાર લાગે છે. પણ હવે આ કોર્પોરેટરનું નામ કેટલી વારમાં મતદારયાદીમાં પાછું આવે છે.
હાઈકોર્ટ અને કલેકટર કચેરી વચ્ચે દોડધામ
જતીન પટેલે આ વિપરિત પરિસ્થિતિના નિવારણ માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ ઉપરાંત કલેકટર કચેરીમાં પણ રૂબરૂ જઈને રજૂઆત કરી છે. કલેક્ટરે આજે તેમને રૂબરૂ સુનાવણી માટે કચેરીએ બોલાવવામાં આવ્યા છે.