અમદાવાદ: અમદાવાદમાં ફરી એક વખત લૂંટારુઓ બેફામ ( Ahmedabad robbers became rampant) બન્યા છે. ઇન્કમટેક્સ બ્રિજ પાસે આંગડિયા પેઢીના કર્મચારીઓને ત્રણ લૂંટારુઓએ લૂંટ અને ફાયરિંગ (Firing on Angadiya firm employee Ahmedabad) કરી ફરાર થઈ ગયા હતા.
આંગડિયા પેઢીના એક કર્મચારીને ગોળી વાગી
ત્રણ અલગ અલગ આંગડિયા પેઢીના કર્મચારીઓ પૈકી એક કર્મચારી કે.અશ્વિન નામના આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીને પગના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યો
કે અશ્વિન, માધવ મગન અને મહેન્દ્ર પ્રવીણ નામના ત્રણ આંગડિયા પેઢીના કર્મચારીઓ ડીસા થઈ રોકડ રકમ અને દગીનાઓ લઈને અમદાવાદ રતનપોળ ખાતે આવી રહ્યાં હતાં. તે દરમિયાન રાણીપ બસ સ્ટોપ પાસેથી પર્સનલ રીક્ષા ચાલક કનુભાઈને ફોન કરી ઇન્કમટેક્સ બ્રિજ પાસે ઉભા રહેવાનું જણાવ્યુ હતું. જ્યાં ત્રણેય કર્મચારીઓ બસમાંથી ઉતરતાની સાથે જ ત્રણ લૂંટારુઓ બે અલગ અલગ મોટરસાયકલ પર આવી પાછળથી આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યો હતો.
પોલીસે તપાસ શરૂ કરી
જેમાં મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 4.50 લાખ રોકડ અને 4થી 5 કિલો ચાંદીના દાગીના અને માધવ મગન આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 3 લાખ રોકડ અને 2થી 2.5 કિલો ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. તો બીજી તરફ કે.અશ્વિન આંગડિયાના કર્મચારીને ગોળી વાગતા તેને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાથી તેની પાસેથી કેટલી રકમ અને કેટલા દાગીનાની લૂંટ થઈ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
ત્રણેય આરોપીને દબોચી તપાસ શરૂ કરાઈ : સૂત્રો
લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની જાણકારી અમદાવાદ શહેર પોલીસને મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઈ ગઈ હતી. હાલ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ હાથધરી છે.