- સિવિલમાં ફરીથી શરૂ કરાઇ સાંજની OPD
- કોરોનાને કારણે બંધ કરાઈ હતી સાંજની OPD
- OPD શરૂ થતાં અનેક દર્દીઓને મળશે લાભ
અમદાવાદઃ કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં સવારે 9 થી 1 વાગ્યાની OPD દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે કાર્યરત હતી. જે હવેથી બપોરે 2 થી 4 દરમિયાન પણ દર્દીઓની સારવાર અર્થે કાર્યરત રહેશે. આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.પી.મોદીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં રાજ્ય અને દેશભરમાંથી દર્દીઓ સારવાર અર્થે OPDની મુલાકાત લેતા હોય છે. દર મહિને અંદાજે 90 હજારથી વધુ OPDની સંખ્યા રહેતી હોય છે.
નીતિન પટેલની સૂચના બાદ શરૂ કરાઇ OPD
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સૂચના બાદ મંગળવારે સાંજથી OPD શરૂ કરવામાં આવી છે. જે રાજ્ય અને રાજ્ય બહારથી આવતા દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો થશે. વિશ્વભરમાં વ્યાપેલી કોરોના મહામારીના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી છે. સમગ્ર વિશ્વમાં લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઇને મેડીકલ ક્ષેત્રે ઘણા પરિવર્તન હાથ ધરવામાં આવ્યાં છે.
સિવિલમાં મોટા પ્રમાણમાં દર્દીઓ આવે છે સારવાર માટે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર દેશમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે દેશમાં આવી પડેલી કોરોના મહામારીને ધ્યાને લઇને સિવિલ હોસ્પિટલમાં સાંજની OPD બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મેડિકલ, પેરામેડિકલના મોટાભાગના કર્મીઓ કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં હોવાને કારણે સિવિલ હોસ્પિટલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.