- 1200 બેડની હોસ્પિટલના આઉટસોર્સિંગ અને કાયમી કર્મચારી ઉતર્યા હડતાળ પર
- નવા આઉટસોર્સિંગને સરકાર 20000 આપશે તેવી જાહેરાત પણ જુનાઓને માત્ર 13000 જ મળે છે
- કાયમી ભરતીવાળો પોસ્પિટલનો સ્ટાફ પણ ઉતર્યો હડતાળ પર
અમદાવાદ: રાજયમાં સરકારે કોરોના મહામારીમાં નર્સિંગ અને ડોક્ટર્સના સ્ટાફની અછતને પહોંચી વળવા ગઈકાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે, નવા કર્મચારીઓને વધુ પગાર આપવામાં આવશે. જેને લઈને, સિવિલમાં 1200 બેડની હોસ્પિટલમાં આઉટ સોર્સિંગ અને કાયમી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આઉટ સોર્સિંગના 250 કર્મચારીઓને આજે પણ પગાર તરીકે માત્ર 13000 રૂપિયા આપવામાં આવે છે અને નવા કર્મચારીઓને 20 હજાર અપાશે તેવી જાહેરાત થઈ છે. ત્યારે, જુના કર્મચારીઓમાં નારાજગી જોવા મળી છે.
આ પણ વાંચો: હાઇકોર્ટની ટકોર બાદ હોસ્પિટલમાંથી ખાલી બેડ અંગેની માહિતી જાહેર કરાઈ
હોસ્પિટલ સ્ટાફ વર્કલોડને લઈને હડતાળ પર
સિવિલમાં કાયમી ભરતી ધરાવતો હોસ્પિટલ સ્ટાફ વર્કલોડને લઈને હડતાળ પર ઉતર્યો છે. આ હોસ્પિટલમાં 80 દર્દીઓ વચ્ચે માત્ર 2થી 3નો જ સ્ટાફ છે. જેથી તે લોકોને વર્કલોડ વધતા કાયમી ભરતીવાળો સ્ટાફ પણ હડતાળ પર ઉતર્યો છે. ત્યારે, હાલમાં કર્મચારીઓ હડતાળ પર ઉતરતા કોરોના દર્દીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આમાં, જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી કામથી અળગા રહેવા કર્મચારીઓએ જણાવ્યું હતું. જ્યારે, કર્મચારીઓની એક જ માંગ છે કે નવા સ્ટાફ કરતા અમને વધુ વેતન આપો. જૂનો સ્ટાફ નવા સ્ટાફ સમાન કામ જ કરવાનો છે, તો અમને કેમ ઓછું વેતન આપવામાં આવે છે.
આ પણ વાંચો: ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં સારવારની ક્ષમતા સુધારવા માટે સરકાર અને DRDO વચ્ચે બેઠક
અન્ય સુવિધાઓ પણ આપવામાં આવતી નથી
બીજી તરફ સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, સિવિલના સુપ્રિડેન્ટેડ જે.વી.મોદીએ સ્ટાફને જણાવ્યું કે તમારે જે કરવું હોય એ કરો તમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે. 1200 બેડની હોસ્પિટલમાં 250 જેટલા કર્મચારીઓ પોઝીટીવ આવ્યા છે. ત્યારે, તેમને રહેવાની તેમજ અન્ય સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. તેને લઈને પણ કર્મચારીઓ રોષે ભરાયા છે. ત્યારે, સમગ્ર મામલે તંત્ર દ્વારા કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.