- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા માગ
- ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી જાહેર હિતની અરજી
- ફેબ્રુઆરીમાં યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
અમદાવાદ- ગુજરાતમાં ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્ય ચૂંટણી પંચ આ સપ્તાહે જ ચૂંટણીની તારીખોની જાહેરાત કરે તેવી સંભાવના છે. આ સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરાઈ છે. તેમાં માગ કરાઈ છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવી જોઈએ. અરજદાર ઈમ્તિયાઝ ખાન પઠાણે તેમના એડવોકેટ કે. આર. કોષ્ટી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જાહેર હિતની અરજીમાં આક્ષેપ કરાયો છે કે અરજદાર તરફે કરવામાં આવેલી RTIના જવાબમાં રાજ્યના ચૂંટણી પચે જણાવ્યું છે કે, તેમની પાસે વીવીપેટ મશીન નથી. વીવીપેટ મશીનની ગેરહાજરીમાં રાજ્યમાં યોજાનારી ચૂંટણી બેલેટ પેપેરથી યોજવા મુદ્દે રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરે.
સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશની માગ
અરજદાર તરફથી 1 જાન્યુઆરી, 2021ના રોજ રાજ્યના ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી હતી, જો કે આજ દિન સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અરજદારે આ મુદ્દાને લઈને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ચૂંટણી પંચ પાસેથી સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશની માગ કરી છે. અરજદારે PILમાં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચના કેસના જજમેન્ટને ટાંકયો છે.