- સંસદનું 19 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર (monsoon session) શરૂ
- જાસૂસીકાંડથી લોકસભા અને રાજ્યસભામાં હોબાળો
- જનતાને સ્પર્શે તેવા મુદ્દા ભુલાયા
અમદાવાદ: 19 જુલાઈથી ચોમાસું સત્ર (monsoon session) શરૂ થયું છે. ત્યારે પહેલા દિવસે વિપક્ષોએ મન બનાવ્યું હતું કે મંદી, મોંઘવારી અને મહામારી આ ત્રણેય મુદ્દા પર સરકારનો વિરોધ કરવો. પણ હકીકતે પેગાસસ સોફટવેર (pegasus software) દ્વારા જાસૂસી કાંડમાં નવા નામ જાહેર કરતો રીપોર્ટ જાહેર થયો અને તે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો.
જાસૂસી કાંડનો જોરદાર વિરોધ થયો
જાસૂસી કાંડના રીપોર્ટમાં રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર, અશ્વિની વૈષ્ણવ, પ્રહલાદ પટેલ, પ્રવીણ તોગડિયા, સ્મૃતિ ઈરાનીના ઓએસડી સંજય કાચરુ, રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરારાજેના અંગત સચિવ પ્રદીપ અવસ્થીનાના જાહેર થયા. જેને પગલે લોકસભા અને રાજ્યસભામાં ખળભળાટ થઈ ગયો. વિપક્ષોએ મોદી અને અમિત શાહના રાજીનામાની માગ કરી હતી. સરકારે ખૂબ સ્પષ્ટતા કરવાની કોશિશ કરી પણ વિપક્ષો એકજુથ થઈને વિરોધ કર્યો હતો.
મંદી, મોંઘવારી અને મહામારીના મુદ્દા બાજુ પર રહી ગયા
દેશમાં આર્થિક મંદી, મોંઘવારી અને મહામારીના મુદ્દા પર વિરોધ થવાનો હતો. આ મુદ્દા બાજુ પર રહી ગયા. આ મુદ્દા સીધી પ્રજાને સ્પર્શે છે. તે મુદ્દો સંસદમાં બહુ ચગે નહી તે માટે થઈને સરકારે જાણી જોઈને જાસૂસી કાંડ બહાર પડાવ્યો હોય તેવી સંભાવના રાજકીય ગલિયારોમાં થઈ રહી છે.
મોદી સરકારની નબળી કામગીરી
કોરોના વૈશ્વિક મહામારીની બીજી લહેરમાં ઓક્સિજનની તંગી, દવાઓની અછત, રેમેડેસિવીર ઈન્જેક્શન ખલાસ થઈ ગયા હતા. ઈન્જેક્શન લેવા માટે લોકોને લાઈનમાં ઉભી રહેવું પડ્યું. તેવી જ રીતે વેક્સિન મુદ્દે પણ લાંબી લાઈનો મળી, વેક્સિન ખલાસ થઈ જવા, યોગ્ય વિતરણનો અભાવ જેવા મુદ્દા સંસદમાં ગરજવાના હતા. તેની સાથે પેટ્રોલ રૂપિયા 100 પ્રતિ લીટરનો ભાવ થઈ ગયો હતો, ડીઝલના ભાવ વધ્યા, LPGના ભાવ વધ્યા, CNGના ભાવ વધ્યા, શાકભાજીના ભાવ વધ્યા, સીંગતેલનો ભાવ ડબ્બે રૂપિયા 2,600નો ભાવ, કપાસિયા તેલનો ભાવ ડબ્બે રૂપિયા 2,400, સનફલાવર તેલના ભાવ ડબ્બે રૂપિયા 2,500 અને અનાજકઠોળના ભાવ ઉછળ્યા. આમ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે સામાન્ય માનવીના રસોડાના બજેટ ખોરવાઈ ગયા છે.
આ પણ વાંચો: પેગાસસ જાસૂસી મામલે પ્રવીણ તોગડિયાની પ્રતિક્રિયાઃ જાસૂસી મામલે મને કોઈ ફેર પડતો નથી
પેટ્રોલ-ડીઝલ પર ડ્યૂટી ઘટાડે સરકાર
મોદી સરકાર અને રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલ પરનો ટેક્સ ઘટાડવા તૈયાર નથી. જ્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટ્યો ત્યારે એકસાઈઝ ડ્યૂટી નાંખીને ભાવને યથાવત રાખ્યો હતો પણ હવે જ્યારે ભાવ આસમાને છે ત્યારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા તૈયાર નથી. સરકાર કહે છે કે કોરોનાને કારણે સરકારની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પણ 19 જુલાઈએ લોકસભામાં સરકારે સત્તાવાર આંકડા જાહેર કર્યા છે કે પેટ્રોલ ડીઝલની ડ્યૂટીમાંથી 3.35 લાખ કરોડની કમાણી કરી છે. જે ગયા વર્ષ કરતાં 88 ટકા વધારે છે.
પેટ્રોલમાં 39 વાર અને ડીઝલમાં 36 વખત ભાવ વધારો
ચાલુ નાણાકીય વર્ષમાં પેટ્રોલમાં 39 વાર અને ડીઝલમાં 36 વખત ભાવ વધારો કર્યો છે. આટલી તગડી કમાણી છતાં સરકાર ડયૂટી ઘટાડીને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા તૈયાર નથી. તેનો સીધો બોજો સામાન્ય માનવી પર પડી રહ્યો છે.
જનતાને સ્પર્શે તેવા મુદ્દાની ચર્ચા થવી જોઈએઃ જયવંત પંડ્યા
રાજકીય તજજ્ઞ જયવંત પંડયાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જાસૂસી કરવી એ મુદ્દો નવો નથી. આ પહેલા 2019માં પેગાસસ દ્વારા ફોન ટેપિંગ અને જાસૂસીનો રીપોર્ટ આવ્યો હતો. જવાહરલાલ નહેરુએ પણ સુભાષચંદ્ર બોઝ અને તેમના પરિવારના ફોન ટેપ કરાવ્યા હતા. યુપીએ સરકારે પ્રણવ મુખરજીની જાસૂસી કરાવી હતી. નીરા વાડિયા ફોન ટેપિંગ અને તેમની ઓડિયો ક્લીપ પણ વાયરલ કરી હતી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે વિપક્ષો માટે આ નવો મુદ્દો નથી.
મોંઘવારીને કાબૂમાં લેવા સરકારે પેટ્રોલ- ડીઝલની ડ્યુટી ઘટાડવી જોઈએ
જયવંત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, વિરોધપક્ષોએ જનતાને સ્પર્શે તેવા મુદ્દા અંગે ચર્ચા કરીને વિરોધ રજૂ કરવો જોઈએ. જાસૂસી કાંડએ જનતાને સ્પર્શતું નથી. આપણે આશા રાખીએ કે વિપક્ષો જનતાને સ્પર્શે તેવા મંદી, મોંઘવારી અને મહામારી જેવા મુદ્દા પર ચર્ચા કરે, મુદ્દાને ઉઠાવે અને સરકારને ફરજ પાડે કે સરકાર પગલા લે. ખરેખર તો મોંઘવારીએ તો માઝા મુકી છે, તેને કાબૂમાં લેવા માટે સરકારે પેટ્રોલ ડીઝલની ડ્યૂટી ઘટાડવી જોઈએ.