- વડોદરા જમીન સંપાદન મામલે નામદાર હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો
- કોર્ટે 330 થી વધુ ખેડૂતોને ચાર ગણું વળતર ચૂકવવા આદેશ
- ત્રણ અઠવાડિયામાં વળતર ચૂકવવા કર્યો આદેશ
- શું કહે છે ખેડૂતોના પક્ષ મુકનાર એડવોકેટ આનંદ યાજ્ઞિક?
અમદાવાદઃ ETV ભારત સાથે વાતચીત કરતાં એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે વર્ષ 2016 - 2018 વચ્ચે વડોદરાથી મુંબઈ સુધી Express Highway ડેવલપ કરવા માટે સરકારે વડોદરાના આસપાસના ગામોની જમીન સંપાદન કરી. નિયમ પ્રમાણે સરકારે ગામડાઓની જમીન સંપાદન કરતી વખતે ચાર ગણું વળતર આપવાનું હોય છે. પરંતુ સરકારે વડોદરા શહેર આસપાસના ગામોને શહેરના વિસ્તાર તરીકે ગણી માત્ર બે ગણું વળતર ચૂકવ્યું. જેના કારણે અહીંના લોકોએ કોર્ટમાં રજૂઆત કરી અને કોર્ટે સરકારને ત્રણ અઠવાડિયામાં 800 કરોડ વળતર તરીકે અને વ્યાજ સહિત કુલ 1600 કરોડ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે.
સરકારે કોર્ટમાં વળતર ચૂકવવા સમય માગ્યો
મહત્વનું છે કે કોર્ટે 800 કરોડ વ્યાજ વિના અને વ્યાજ સહિત 1600 કરોડ રૂપિયા ચૂકવવા સરકારને આદેશ કરતાં સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમને આ રકમ ચૂકવવા ત્રણ અઠવાડિયાથી વધુનો સમય આપવામાં આવે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે ત્રણ અઠવાડિયાની અંદર પૈસા ચૂકવવા મુશ્કેલ છે. કારણ કે, અમારે મિનિસ્ટ્રીમાંથી એના માટે માગણી કરવી પડે ત્યારે જઈને પૈસા મળશે. જો અમે ત્રણ અઠવાડિયાની અંદર પૈસા ન ચૂકવી શકીએ તો અમારા ઉપર કોર્ટના આદેશનો અનાદર કરવાનો આક્ષેપ લાગી શકે તેથી થોડી રાહત આપવામાં આવે. જોકે, આ દલીલ ફગાવી દેતા એવું કંઈ પણ થાય તો તમે અમને રજૂઆત કરી શકો છો તેવું જણાવ્યું હતું. કોર્ટે વળતર ચૂકવવા ત્રણ અઠવાડિયાનો સમય માન્ય રાખ્યો હતો.
આ પણ વાંચોઃ ભૂવાસણના ખેડૂતોએ જમીન સંપાદનના વળતર રૂપે એવોર્ડ સ્વીકારવાની ના પાડી