- ઇમરાન ખેડાવાલાએ 14 એપ્રિલના રોજ કોરોનાનો પ્રથમ રિપોર્ટ કરાવ્યો હતો
- સામાન્ય તાવ આવવાથી ખેડાવાલાએ મેટાસીનની દવા લીધી હતી
- તે સમયે કોરોનાના લક્ષણ જણાતા નહોતાઃ ઇમરાન ખેડાવાલા
- ઇમરાન ખેડાવાલાએ 27 એપ્રિલના રોજ કોરોનાને માત આપી
અમદાવાદઃ કોરોના સામે લડવા દર્દીઓને પ્લાઝમા થેરાપીથી થોડી રાહત મળી શકે છે. જો કે, પ્લાઝમા આપનાર વ્યક્તિ પણ સંપૂર્ણપણે સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. એટલે કે તેને અન્ય કોઇ પ્રકારની બીમારી ન હોય તો જ પ્લાઝમા ડૉનેટ કરી શકે છે.
આ મુદ્દે વાતચીત કરતા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, કોરોનાથી ઠીક થયા બાદ તેમનું ડાયાબિટીસ વધી ગયું હતું. જેથી તેઓ એ વખતે પ્લાઝમા ડૉનેટ કરી શક્યા નહીં, પરંતુ જ્યારે ડાયાબિટીસ કંટ્રોલમાં આવ્યું ત્યારે તેમણે પ્લાઝમા ડૉનેટ કર્યું હતું.
પ્લાઝમા ડોનેશનની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. જેમ રક્તદાન કરવામાં આવે છે એ રીતે આ પ્લાઝમા ડોનેશનની પ્રક્રિયા થાય છે. તેમના પરિવારમાંથી અન્ય ચાર લોકોએ પણ પ્લાઝમા ડૉનેટ કર્યું હતું. એક કે બે દિવસ પહેલા જ પ્લાઝમાની જરૂર હોવાના મેસેજ મળતા તેમણે દર્દીને પ્લાઝમા ઉપલબ્ધ કરાવી આપ્યું હતું. પ્લાઝમા થેરાપીની સારવારમાં કેટલીક વસ્તુઓ દર્દી અને ડોનર વચ્ચે મેચ થાય તો જ પ્લાઝમા ઉપયોગ કરાય છે.
ઈમરાન ખેડાવાલાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમની સારવારમાં પ્લાઝમા થેરાપીનો ઉપયોગ થયો છે કે કેમ...? એ મુદ્દે તેઓએ જણાવ્યું કે, બધા દર્દીઓને પ્લાઝમાની જરૂર પડતી નથી. કોરોનાને લીધે ક્રિટિકલ થયેલા દર્દીઓને પ્લાઝમાં થેરાપી અને ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનની જરૂર પડે છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી, અન્ય કોઈ તકલીફ પડી નહીં અને 15 દિવસની સારવાર બાદ કોરોનાને માત આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી. પરંતુ ટેસ્ટ કરાવી વહેલી તકે સારવાર લેવાની જરૂર છે. સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે જેમ કે, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવું ખૂબ જ જરૂરી છે. કોરોના મહામારીમાં વધુ લોકોના જીવ બચાવવા કોરોનાથી સાજા થયેલા અને અન્ય કોઈ બીમારી ન ધરવતા લોકોએ પ્લાઝમા ડૉનેટ કરવું જોઈએ.