અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોનાનો શિકાર બન્યા હતા. એવામાં હાલમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમણે કોરોનાને તો મહાત આપી દીધી છે. પરંતુ એ બાદ પણ તેમની અન્ય બિમારીના કારણોસર તબિયત રિકવર ન થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં જ રાખવા પડ્યા હતા, જે દરમિયાન એક-બે વાર તેમની તબિયત ખુબજ લથડી હતી. પરંતુ હવે સારા સમાચાર સામે આવ્યા છે કે તેમની તબિયતમાં ઘણો સુધાર છે.
છેલ્લા બે મહિનાથી તેઓ હોસ્પિટલમાં છે. ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ દ્વારા કોરોનાની મહામારીમાં પણ જે મીટિંગો અને મેળાવડાઓ કરવામાં આવે છે, તેમાં ક્યાકને ક્યાંક કોરોનાની મહામારીને પણ સંક્રમણ માટે મોકળો માર્ગ મળી જતો હોવાની વાતો વહેતી થઈ છે.
ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ 22 જૂને પોઝિટિવ આવ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને તેમને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે કોરોનાની લાંબી સારવાર બાદ સ્થિતિમાં સુધારો ન આવતા તેમને CIMS હોસ્પિટલ ખસેડાયા હતા.