આજે શુક્રવારે હોસ્પિટલમાં દર્દીના સગાએ બાઉન્સરો સાથે મારામારી કરી હતી. દર્દી પાસે બેથી વધુ સગાને રહેવા દેવામાં આવતા નથી. જેને કારણે બાઉન્સરોએ સંબંધી પાસે પાસ માંગતા દર્દીના સગાએ મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં દર્દીના સગા બાઉન્સરને લાકડી મારતા જોવા મળે છે. આ સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની ડાયરીમાં માત્ર નોંધ કરવામાં આવી છે.
‘અત્યાધુનિક હોસ્પિટલ’માં પોપડા પડ્યા હતા. તેમજ પાણી પણ ઘુસ્યા હતા. આ હોસ્પિટલ દરેક રીતે અત્યાધુનિક અને શ્રેષ્ઠ હોવાનો દાવો કોર્પેરેશનનો શાસક પક્ષ ભાજપ અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ કર્યો છે. જો કે આ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં છતના પોપડા ઉખડી જવાની, ડોક્ટરોના રૂમમાં પાણી ભરાવવાની, ઓપરેશન થિયેટરમાં ઉપરના માળેથી નીચે સુધી ઘૂંટણ સુધી પાણી ભરાવવા જેવી ઘટનાઓ બની છે.
વરસાદના કારણે ધાબા પરથી 16માં માળે આવેલા રૂમમાં ઘુસેલા પાણી ઉલેચવા પડ્યા હતા. મ્યુનિસિપલ શાસકો અને હૉસ્પિટલ તંત્રની જે બેદરકારીઓ થઈ છે અને પોલમપોલ ચાલે છે તેની માહિતી લોકો સુધી ન પહોંચે તે માટે મીડિયાને દૂર રાખવામાં આવે છે. અગાઉ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ હોસ્પિટલમાં પ્રાઇવસીના નામે પણ મીડિયાને એન્ટ્રી ન આપવા બાબતે જણાવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, 7 મહિના પહેલાં 18 જાન્યુઆરીના રોજ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સપના સમાન SVP હોસ્પિટલનુ લોકાર્પણ કર્યું હતું.