- અમદાવાદમાં બેન્ક મેનેજર સાથે થઈ છેતરપિંડી
- 34,900 રૂપિયાની થઈ છેતરપિંડી
- બિલ ભરવા જતાં થઈ છેતરપિંડી
- પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
અમદાવાદ: શહેરમાં અત્યાર સુધી બેન્કના નામે કોલ કરીને અનેક લોકો છેતરાયા છે. ત્યારે હવે બેન્કના મેનેજર સાથે જ છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે બેન્ક મેનેજરે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ક્રેડિટ કાર્ડનું બિલ ભરવા જતાં મેનેજર છેતરાયા
શહેરના પાલડી વિસ્તારમાં શાંતિવન રોડ પર આવેલા આશીર્વાદ ફ્લેટમાં રહેતા વૈભવ શાહ ખાનગી બેન્કની જોધપુર શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત સપ્ટેમ્બર માસમાં તેઓને ક્રેડિટ કાર્ડનું 5,372 રૂપિયા બિલ ભરવાનું હતું. આ પેમેન્ટ તેમને ઓનલાઇન એપ્લિકેશન મારફતે કર્યું હતું. જો કે, 26મીએ બેન્ક તરફથી ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ન ભર્યું હોવાનો મેસેજ મળ્યો હતો. જે બાદ અજાણ્યા નંબર પરથી વધુ એક મેસેજ આવ્યો હતો.
OTP માંગી કરી છેતરપિંડી
અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો તે નંબર પર વૈભવભાઈએ ફોન કર્યો હતો. ત્યારે સામે વાડી વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમણે ક્રેડિટ કાર્ડનું જે પેમેન્ટ કર્યું હતું તે થયું નથી અને તે પરત લેવું પડશે. જે બાદ વૈભવભાઈને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. બાદમાં વૈભવભાઈ પાસે પાસવર્ડ માંગ્યો હતો અને જે આપતા તેમના ખાતામાંથી 34,900 ઉપડી ગયા હતા.
પોલીસ ફરિયાદ નોંધાઇ
સમગ્ર મામલે વૈભવભાઈએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પાલડી પોલીસે સમગ્ર મામલે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.