અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. જેથી ગુજરાતની 8 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને કારણે રાજ્યસભામાં ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનનો વિજય થયો હતો. તેથી આ કાર્ય માટે શિરપાવ આપવા ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 5 ધારાસભ્યોને પેટા ચૂંટણી માટે ભાજપની ટિકિટ પર રિપીટ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ નામોને લઈને ખૂબ અસમંજસ જોવા મળી હતી. પરંતુ મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ સહિતના અગ્રણીઓની બેઠકમાં ઉમેદવારોના નામ પર વિચારણા કર્યા બાદ નામના લિસ્ટને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કેન્દ્રીય મોવડી મંડળની બેઠકમાં ભાગ લેવા શનિવારે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમીત શાહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથેની મિટિંગમાં આ નામને મંજૂરી આપવામાં આવી હતી.
ઉમેદવારોની યાદી આ પ્રમાણે છે
- અબડાસા- પ્રદ્યુમનસિંહ જાડેજા
- મોરબી- બ્રિજેશ મેરજા
- ધારી- જે. વી. કાકડિયા
- ગઢડા- આત્મારામ પરમાર
- કરજણ- અક્ષય પટેલ
- ડાંગ- વિજય પટેલ
- કપરાડા- જીતુ ચૌધરી
જો કે લીંબડી બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરાયું નથી. કોંગ્રેસના ઉમેદવારોના નામની યાદીની રાહ જોવાઇ રહી છે. 2017ના લીંબડી વિધાનસભા બેઠકના વિજેતા સોમાભાઈ ગાંડાએ કહ્યું હતું કે, ભાજપ કે કોંગ્રેસ બેમાંથી જે પણ ટિકિટ આપશે તે પરથી તેઓ લડશે.
એક મહિના અગાઉ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરો માટે હવે ભાજપના દરવાજા બંધ છે અને ભાજપના જ લોકોને તક આપવામાં આવશે. પરંતુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ફરીથી ટિકિટ અપાતા ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ જોવા મળી શકે છે.