- ટિકિટ વહેંચણીમાં ભાજપના સિનિયર, યુવા અને મહિલા કાર્યકરોને પ્રાધાન્ય
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના 2 લાખ જેટલા કાર્યકર્તાઓએ માગી હતી ટિકિટ
- નગરપાલિકા અને પંચાયતોના ઉમેદવારોની જાહેરાત કરી
અમદાવાદઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના લાખો કાર્યકર્તાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. સંસદીય કમિટી દ્વારા નક્કી કરાયેલા નિયમો પ્રમાણે દરેક કક્ષાએ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી તૈયાર કરવામાં પ્રદેશ દ્વારા નિમાયેલા નિરીક્ષકોએ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા કક્ષાએ જઈને સેન્સ મેળવી હતી. ખાસ કરીને આ યાદીમાં યુવાઓ, સિનિયર અને મહિલા કાર્યકરો પસંદગી આપવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના 9050 ઉમેદવાર
પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો મળીને કુલ 8,474 બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અગાઉ મહાનગરપાલિકાના 144 વોર્ડની 576 બેઠકો માટેની યાદી ભાજપે એક સાથે જાહેર કરી હતી. આમ કુલ 349 એકમોના 9,050 ઉમેદવાર થવા જાય છે. દરેક બેઠકો માટે સરેરાશ 20થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જે લગભગ બે લાખ જેટલી થવા જાય છે, તે એક રેકોર્ડ કહી શકાય.
સી. આર. પાટીલે કાર્યકરોની માફી માંગી
ભાજપના કેટલાક સંનિષ્ઠ કાર્યકરોએ ઉમેદવાર પસંદગીના ત્રણ નિયમો બનાવ્યા બાદ તેના ક્રાઇટેરિયામાં ફિટ ન બેસતા હોય, તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી હતી. જ્યારે બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે બેઠકોની મર્યાદા અને સંખ્યને લઈને કોઈ સંનિષ્ઠ કાર્યકરને ટિકિટ ન મળી હોય તો તે બદલ માફી માગી હતી.