અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીકને (GSSSB Head Clerk Paper Leak 2021) લઈને ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો જેમાં આપ પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા, નેતા ઈશુદાન ગઢવી સહિતના કેટલાક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. જે મુદ્દાને લઈને દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ રાજપૂત (AAP Gujarat Incharge Gulabsinh Rajput) આજે વહેલી સવારે ગુજરાત આવી પહોંચ્યાં હતાં. જ્યાં પત્રકાર પરિષદમાં તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા બાદ ઉપવાસ આંદોલન છેડ્યું હતું. જ્યાં પ્રદેશ કાર્યાલયથી ગાંધી આશ્રમ દર્શન કર્યા બાદ કલેકટર કચેરી બહાર ઉપવાસ આંદોલન માટે જાય તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી દેવામાં આવી હતી.
ગુલાબસિંહ રાજપૂતના આક્ષેપો
રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણની પગલે આમ આદમી પાર્ટીના નેતા સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલવામાં આવ્યા હતાં. આમ આદમી પાર્ટી દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાતના સહપ્રભારી ગુલાબસિંહ યાદવે (AAP Gujarat Incharge Gulabsinh Rajput) પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે અમે આજથી ઉપવાસ ઉપર ઉતરીશું. તેમણે કહ્યું હતું કે અસિત વોરા સામે કેમ કાવતરા હેઠળ ફરિયાદ ન કરી. અસિત વોરા સામે ગુનો દાખલ કરી રાજીનામું લઇ લેવું જોઈએ. ભાજપના સી.આર પાટીલનો અસિત વોરા પર હાથ રહેલો છે. આજથી અમે કલેકટર ઓફિસની બહાર બેસીશું. આજથી હું અને મહેશ સવાણી બંને અન્ન ત્યાગ કરીએ છીએ. કોંગ્રેસ તો મુક પ્રેક્ષક બની ગઈ છે. ગુજરાતની જનતાએ પણ જાણે છે કે ગુજરાતમાં સી આર પાટીલના હેઠળ ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. તાજેતરમાં જ લેવાયેલી પરીક્ષામાં પેપર લીક કૌભાંડમાં પકડાયેલા આરોપીઓ પર ભારતીય જનતા પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. અગાઉ થયેલા પેપર કૌભાંડ પણ ભાજપના મળતીયાઓ દ્વારા જ કરવામાં આવ્યા હોય તેવો સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં પેપર ફૂટવાની આ લગભગ નવમી ઘટના છે. ત્યારે સીઆર પાટીલે જાહેરમાં નિવેદન આપ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓને જ નોકરી મળવી જોઈએ.
આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત વધુ 3 આરોપીની અટકાયત
શ્રદ્ધા રાજપૂત "આપ"ના એક પણ કાર્યકર્તાની આજુબાજુ રહેલ નથી - પ્રભારી
ગુલાબસિંહ રાજપૂતે (AAP Gujarat Incharge Gulabsinh Rajput) વધુમાં કહ્યું કે યુવા નેતા યુવરાજસિંહે મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ આ ભાજપની સરકાર કંઈ જ સાંભળે તેમ ન હતી. જેથી એક પાર્ટી તરીકે અમે ધરણા કરવા જઈ રહ્યા છીએ. હાલમાં ઉપવાસ આંદોલનની જાહેરાત કર્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અમારી પાસે સમગ્ર ઘટનાના ફૂટેજ છે, જેમાં શ્રદ્ધા રાજપૂત અમારા કોઈપણ કાર્યકર્તાની આસપાસ હોય એવા ફૂટેજ આવ્યાં નથી. કમલમની અંદર પણ ઘણા સીસીટીવી કેમેરા રહેલા છે. તો શા માટે સી.આર.પાટીલ ફૂટેજ મીડિયા સમક્ષ આપી રહ્યાં નથી.
આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સમક્ષ પાંચ અલગ અલગ માગણીઓ મૂકવામાં આવી છે
ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાને તાત્કાલિક તેમના પદ પરથી દૂર કરવામાં આવે અને અસિત વોરા સહિત પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે.
અગાઉ પેપર લીકને કારણે રદ થયેલી પરીક્ષા સહિતના તમામ વિદ્યાર્થીઓને ખર્ચ અને મહેનતના વળતર તરીકે રૂપિયા 50,000ની સહાય ચુકવવામાં આવે.
ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષસ્થાને કોઈ પ્રાથમિક અને નિષ્પક્ષ IAS અધિકારીની નિમણૂક કરવામાં આવે
નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી એને તપાસ સોંપવામાં આવે
અટકી પડેલી તમામ ભરતીઓ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી ગુજરાતના બેરોજગાર યુવાનોને ન્યાય આપવામાં આવે
કુલ 4 પેપરમાંથી એક પેપર અસિત વોરા સિલેક્ટ કરતા હોય છે અને તે જ પેપર લીક થાય તેથી તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ
આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ કહ્યું હતું કે આજથી અમે ભૂખ હડતાળ પર બેસી રહ્યા છીએ. ભરતી પરીક્ષાના પેપરો સરકારી પ્રેસમાં છપાવવાના હોય છે પણ ખાનગી પ્રેસમાં છપાયા હતાં. સરકારી ભરતીમાં ચાર પેપરમાંથી ફાઇનલ પેપર અસિત વોરા દ્વારા સિલેક્ટ કરવાનું હોય છે. જેથી આમ આદમી પાર્ટીનો સ્પષ્ટ આક્ષેપ છે કે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી પેપર લીક થઈ રહ્યા છે. સરકારે દરેક પરીક્ષાની ફી લીધી છે જેમાં પાંચ વરસમાં 81લાખ વિદ્યાર્થીઓએ ભરી છે. સરકાર આ મુદ્દે કોઇનું સાંભળતી નથી જેથી અમે એક પાર્ટી તરીકે ધરણા કરી રહ્યા છે.
ઉપવાસ આંદોલન પહેલા જ પોલીસે કરી ધરપકડ
જોકે પેપર લીક કૌભાંડ મુદ્દે અમદાવાદમાં ઉપવાસ ઉપર ઉતરે તે પહેલાં જ આપના નેતા ગુલાબસિંહ રાજપૂત (AAP Gujarat Incharge Gulabsinh Rajput) અને મહેશ સવાણી પોતાના પ્રદેશ કાર્યાલયથી નીકળ્યા બાદ ગાંધી આશ્રમ ગાંધીજીની પ્રતિમા સમક્ષ દર્શન કર્યા બાદ જેવા બહાર નીકળ્યા ત્યાં જ પોલીસના કાફલાએ તેમની અટકાયત ( AAP incharge detain before fast) કરી દીધી હતી. મહત્વનું છે કે શાંતિપૂર્ણ માહોલમાં તેઓ વિરોધ કરવા જઈ રહ્યા હતાં તેમ છતાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવતા અનેક સવાલો ઉપસ્થિત થયાં હતાં.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવે તેવી શકયતા
ગુજરાતમાં કુલ હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે રાજકારણ ગરમાયું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત વિરોધ નોંધાવી રહ્યું છે. તેવામાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલીયા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી સહિતના 60થી વધુ કાર્યકરોની ભાજપ કમલમ ખાતે વિરોધ કરવાના ગુના હેઠળ ધરપકડ કરી દેવામાં આવી હતી. જેને લઇને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આજે અમદાવાદ ખાતે વિરોધ માટે પહોંચ્યા હતાં. જોકે ઉપવાસ આંદોલન પહેલાં જ તેમની પણ અટકાયત કરી દેવામાં મામલો ગરમાયો છે. ત્યારે હવે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પેપર લીક કૌભાંડને લઈને આગામી દિવસોમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં (Arvind Kejriwal visit to Gujarat) આવીને વિરોધ નોંધાવે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.