- એક અઠવાડિયામાં 900 બેડનું કોવિડ કેર સેન્ટર ઉભું થયુ
- DRDO દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ
- 150 વેન્ટીલેટર્સ ઉપલબ્ધ રાખવામાં આવી
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે 900 બેડની ઓક્સિજન સુવિધા સાથેનું આધુનિક કોવિડ સેન્ટર એક અઠવાડિયાના સમયગાળામાં DRDO દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. DRDO દ્વારા અમદાવાદ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 'ધન્વંતરિ કોવિડ કેર સેન્ટર'નું ઉદ્ઘાટન કરશે. આ હોસ્પિટલમાં 900 બેડની ક્ષમતા છે. જેમાં 150 જેટલાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે. 130 વેન્ટિલેટર કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ DRDO દ્વારા નવનિર્મિત 900 બેડની હોસ્પિટલનું નિરીક્ષણ કરશે
ખડેપગે હાજર રહેશે મેડિકલ સ્ટાફ
આ કોવિડ કેર સેન્ટરમાં ડોક્ટર તેમજ મેડિકલ સ્ટાફના રહેવાની અને આરામ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ હશે. સંપૂર્ણ સેન્ટ્રલી એર કન્ડિશન સુવિધાથી સજ્જ છે. અહીં જ એક્સ-રે સહિતના તમામ ટેસ્ટની સુવિધા છે. આર્મી, બીએસએફ વગેરે સુરક્ષા સેવાઓના ડોક્ટરો અહીં સેવા આપશે. અંદાજિત 600 જેટલા કર્મચારીઓનો સ્ટાફ ત્રણ શિફ્ટમાં કામ કરશે. વેન્ટિલેટરથી લઈને ઓક્સિજનની પાઇપ લગાવવાની અને બેડ તેમજ કાર્પેન્ટરીનું કામ ત્વરિત ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો: દિલ્હીમાં DRDOએ સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ હોસ્પિટલ શરૂ કરી
અમદાવાદ માટે રાહત રૂપ થશે આ કોવિડ સેન્ટર
આ કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન સપ્લાય માટે 35 હજાર લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી લગાવવામાં આવી છે. આ ઉપરાંત વધુ એક 25 હજાર લીટરની વધારાની ટાંકી પણ લગાવવામાં આવી છે. જેના કારણે દાખલ દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહેશે, તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.