અમદાવાદઃ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો નાથવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હાથ ધરેલા અભિયાન હેઠળ સોમવારે 329 સોસાયટીની તપાસ કરી 18,736 ઘરોમાં ચેકીંગ કર્યું છે. મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 374 ઘરોને નોટિસ આપી 28250 રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલ કર્યો છે.
મ્યુનિસિપલના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના ઉપદ્રવ સામે હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ સૌથી વધુ દંડ અને નોટિસ પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં ફટકારવામાં આવ્યો છે. ચેક કરેલ યુનિટ્સમાં સાઇટોમાં લીફ્ટના ખાડાઓમાં, સ્ક્રેપ મટીરીયલ્સમાં, ખુલ્લી ટાંકી, ભોંયરામાં, કંપાઉડમાં પડેલ બકૅટ, પક્ષીચાટ, ભંગાર વગેરે જગ્યા પર ચેકીંગ હાથ ધરાયું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરનો ઉપદ્રવ અટકાવા માટે ફોગીંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરના પોરા ચેકીંગ અને નાશ કરવાની કામીગરી પણ કરવામાં આવી રહી છે.