અમદાવાદઃ શહેરની મધ્યમાં આવેલી વિખ્યાત માણેક ચોક સોના-ચાંદી બજાર વર્ષોથી લોકજીભે છે. ગામેગામથી લોકો સોનું કે ચાંદી ખરીદવા આ બજારની મુલાકાત લેતા હોય છે. જો કે કોટ વિસ્તારમાં કોરોનાના કારણે લૉકડાઉન લાદી દેતા અત્યાર સુધી સદંતરપણે બંધ હતું. પરંતુ કોર્પોરેશન દ્વારા કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ફેરફાર કરતા માણેકચોક ચોકસી મહાજન અને માણેકચોક સોનાચાંદી દાગીના બજાર ફરી ધમધમતા થઇ ગયા છે. નવી માર્ગરેખા પ્રમાણે જોખમી વિસ્તારો માઇક્રો કન્ટેન્ટમેન્ટમાં આવી ગયા હતા. આમ કન્ટેઇન્મેન્ટ ઝોન આપોઆપ ખૂલવા માટે સક્ષમ થઇ ગયા હતા.
માણેકચોક સોનાચાંદી દાગીના બજારના પ્રમુખએ જણાવ્યું હતુ કે આશરે એક હજાર જેટલી દુકાનો ચાલુ થઇ ગઇ છે. જેનો સમય સવારે 10થી 6નો રહેશે. દુકાન ખોલવાની તૈયારી વિશે તેમણે જણાવ્યું હતું કે અમે ત્રણ મહિના પછી દુકાનો ખોલીએ છીએ. ત્યારે કોરોનાના સંજોગોમાં માસ્ક, સેનિટાઇઝર તેમજ સામાજિક અંતર જાળવવાની દરેક સભ્યોને સુચના આપવામાં આવી છે. તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
જવેલર્સ આશિષભાઈ ઝવેરીએ ETV Bharatના સંવાદદાતા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અમારી મુખ્ય સિઝન તો જતી રહી છે. કોરોનાને કારણે લગ્ન સિઝનનો છેદ ઉડી ગયો છે અને હવે ચોમાસુ બેસી ગયું છે. છતાં પણ હિસાબના કામકાજ, માર્ચ એન્ડિગના કામ બજાર ખુલે તો જ થાય તેમ હતા. હવે રાહત થશે કોર્પોરેશન દ્વારા 45 જેટલી સોસાયટીઓ, પોળ, ચાલી કે ઝૂંપડપટ્ટીને માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. આ સાથે 10 ઝોનને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેનાથી નાના વેપારીઓને નુકસાન તો ઘણું થયું છે. પરંતુ ફરી એક વખત ઉભા થવાનો પ્રયત્ન કરવા મળ્યો છે.