અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ જુદા-જુદા વિષયોની પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે ABVP દ્વારા NSUIના યુનિવર્સિટીના સેનેટ મેમ્બર કુંવર હર્ષઆદિત્યસિંહ પરમાર પર પરીક્ષામાં ગેરરીતિ આચરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. હર્ષઆદિત્યસિંહ પરમાર અમદાવાદની લૉ ગાર્ડન ખાતે આવેલી GLS લૉ કૉલેજમાં પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે NSUIનો એક કાર્યકર ચાલુ પરીક્ષાએ તેમના પરિક્ષખંડમાં પ્રવેશ્યો હતો. જેનો વિરોધ ABVPએ કર્યો છે.
પરીક્ષા કેન્દ્રના CCTV ફુટેજમાં કુંવર હર્ષઆદિત્યસિંહ પોતાનો ફોન ખિસ્સામાંથી બહાર કાઢીને ફોનમાં જોઈ રહ્યા હતા અને ત્યારબાદ તેને પરત મૂકતા હોય તેવું સ્પસ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે ABVPએ તેમના પર પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ મૂક્યો છે.
આ ઘટનામાં પોતાના બચાવમાં કુંવર હર્ષઆદિત્યસિંહે જણાવ્યું હતું કે, તેને ફોન સાયલન્ટ કરવા માટે ખિસ્સામાંથી બહાર કાઢ્યો હતો અને થોડીક જ સેકન્ડમાં પરત મૂકી દીધો હતો. જ્યારે NSUIના મેમ્બર દિગ્વિજય દેસાઈ તેમને ગાડીની ચાવી આપવા આવ્યા હતા, પરંતુ તુરંત જ તેમને પરીક્ષા ખંડમાંથી બહાર જતા રહેવા માટે તેને ઇશારો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને ABVPના પ્રમુખ દિવ્યપાલ સિંહ સોલંકી દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે.