અમદાવાદઃ શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીની અગાઉ એક યુવક સાથે સગાઇ થઇ હતી, તે બાદ સગાઇ તૂટી જતા તે યુવક તેના મિત્ર સાથે યુવતીના ઘરે આવ્યો હતો. યુવકે યુવતીનાં ઘરે જઇ તેને અપશબ્દો બોલ્યા હતા.
યુવકે લોકોની હાજરીમાં કહ્યુ કે, તું બીજા સાથે લગ્ન કરીશ તો તને જાનથી મારી નાખીશ. થોડીક ક્ષણોમાં યુવક વધુ આવેશમાં આવી ગયો અને નીચે પડેલી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. આ સાથે ફરી એક વખત તેને ધમકી આપી હતી કે, તારી જેની સાથે સગાઈની વાત ચાલે છે તેને પણ જાનથી મારી નાખીશ. યુવતીને મોબાઇલની કોલ ડીટેઇલ કઢાવી ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. જેથી આ સમગ્ર મામલે યુવતીએ યુવક અને તેના મિત્ર સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ખાડિયા પોલીસે યુવતીની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.