- પોલીસકર્મીની પુત્રી અને તેની મિત્રની છેડતી
- યુવકે ચાલુ એક્ટિવામાં ચાવી કાઢી લેતા નીચે પટકાઈ
- બંને યુવતીઓ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં
- ચાલુ એક્ટિવાએ ચાવી કાઢી લેતાં બને રોડ પર પટકાયા
- રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદના 24 કલાક બાદ પણ આરોપીઓ ફરાર
અમદાવાદ શનિવારે બપોરે બે વાગ્યાની આસપાસ બે યુવતી એક્ટિવા લઈને ગઈ હતી. બંને બહેનપણી એક્ટિવા ચલાવી આશ્રમ રોડ પર કોલેજમાં ફી ભરવા માટે ગઈ હતી. કોલેજમાં ફી ભર્યા બાદ એક્ટિવા ચલાવી અને આશ્રમ રોડથી રિવરફ્રન્ટના રોડ પર ઘરે પરત ફરતી હતી. તે દરમિયાનમાં એરપોર્ટ પાસે ભદ્રેશ્વર સોસાયટીમાં રહેતા સાહિલ વાઘેલા નામનો શખસ જેને બંને યુવતીઓ કોલેજમાં આવતા જતા ઓળખતી હતી તે એક્ટિવા પર તેના મિત્ર સાથે આવ્યો હતો.
બંને રોમિયોએ ચાલુ એક્ટિવાએ ચાવી કાઢી લીધી
સાહિલ અને તેના મિત્ર અનિકેતે એકિટવા પર બંને યુવતીનો પીછો કર્યો હતો. એક્ટિવા એકદમ નજીક લાવી અને ઉભું રાખવા ઈશારો કર્યો હતો. પરંતુ તેમણે એકિટવા ભગાવ્યું હતું. જેથી તેઓએ એકિટવા નજીક લાવી સાહિલે યુવતીના ચાલુ એકિટવામાંથી ચાવી કાઢી લીધી હતી. જેથી યુવતી બેલેન્સ જાળવી શકી ન હતી અને બંને નીચે પટકાયા હતા. જેથી સાહિલ અને તેનો મિત્ર અનિકેત ત્યાંથી નાસી ગયા હતા. બને યુવતીઓને લોકોએ 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.
અમદાવાદ પોલીસ નિષ્ફળ
ત્યારે બંનેને માથામાં અને કપાળ પર ગંભીર ઇજાઓ થઈ હતી. એક યુવતીના પરિવારજને જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજી પોલીસ બંને યુવકોને પકડી શકી નથી. ઘરે તપાસ કરી છે પણ મળ્યા ન હોવાનુ કહ્યું હતું. એક યુવતીના પિતા પોલીસમાં હોવા છતાં પોલીસકર્મીની જ દીકરીની છેડતી કરનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચવામાં નિષ્ફળ રહી છે.