અમદાવાદઃ ગુજકેટની પરીક્ષામાં પરીક્ષાર્થીઓની સલામતી માટે કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઈ જરૂરી પગલાં લેવામાં આવેલા છે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર 10થી 12 કલાક દરમિયાન લેવામાં આવ્યુ હતું. જે પરીક્ષામાં 1,27,615 ઉમેદવારો પૈકી 1,06,161 ઉમેદવારો હાજર રહ્યાં હતા. જીવ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર 11 થી 2 કલાક દરમિયાન લેવામાં આવ્યુ હતું. જે પરીક્ષામાં 76,967 ઉમેદવારો પૈકી 65,115 ઉમેદવારો હાજર રહ્યાં હતા. ગણિતનું પ્રશ્નપત્ર 3થી 4 કલાક દરમિયાન લેવામાં આવ્યુ હતું. જે પરીક્ષામાં 51,122 ઉમેદવારો પૈકી 41,213 ઉમેદવારો હાજર રહ્યાં હતા. વરસાદી માહોલમાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલન કરીને પરીક્ષાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ગુજકેટ પરીક્ષા સામાન્ય રીતે અગાઉના વર્ષોમાં ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહની માર્ગની પરીક્ષા પૂર્ણ થયા બાદ અને ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થાય તે પહેલા યોજવામાં આવતી હતી. જેના કારણે ગુજકેટ પરીક્ષા માટે આવેદન કરેલા મોટા ભાગના ઉમેદવારો ગુજકેટ પરીક્ષામાં ઉપસ્થિત રહેતા હતા. ચાલુ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 18,468 નિયમિત ઉમેદવારો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 3 કે તેથી વધુ વિષયમાં નાપાસ રહેલા હતા.
કોવિડ-19 ની પરિસ્થિતિના કારણે ચાલુ વર્ષે ગુજકેટ પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની જાહેરાત બાદ યોજવામાં આવેલી છે. જેના પરિણામે માર્ચ-2020ની પરીક્ષામાં 3 કે ત્રણ થી વધુ વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો કે જેઓએ ગુજકેટ-2020 માટે આવેદનપત્ર ભરેલ હતું . તેઓ નાપાસ હોવાથી ગુજકેટ પરીક્ષામાં ઉપસ્થિત ન થાય તે સ્વાભાવિક છે. વળી ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાશાખામાં પણ પ્રવેશ મેળવી લીધો હોય અને તેઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા ન હોય તે સ્વાભાવિક છે.