અમદાવાદ :અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરનાર 5,445 નાગરિકો પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બે દિવસમાં 10.89 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે, જે પૈકી દક્ષિણ ઝોનમાં 1,085 લોકો પાસેથી બે દિવસમાં 2.17 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સૌથી ઓછો દંડ સરખેજ, બોપલ-ઘુમા, શીલજ જેવા વિસ્તાર દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વસૂલવામાં આવ્યો છે ત્યાં બે દિવસમાં માત્ર 354 લોકો જ નિયમો ભંગ કરતાં નજરે પડ્યાં હતાં અને તેમના પાસેથી 70,800 રૂપિયાનો દંડ વસૂલાયો હતો.
મીઠાખળી, લૉગાર્ડન, પાલડી સહિતનો વિસ્તાર પશ્ચિમ અમદાવાદમાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 151 ટીમે શહેરમાં કોરોના મહામારીને લગતાં સામાન્ય નિયમોનું પાલન ન કરનાર લોકો પાસેથી દંડ વસૂલ્યાં હતાં. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ સમગ્ર ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.