- પેઢીની ઓફિસના લોકરમાંથી 50 લાખ ગાયબ
- આંગડિયા પેઢીના કર્મચારીઓએ રૂપિયા 50 લાખ બરોબર ઘર ભેગા કર્યા
- ચાર લોકો સામે નોંધાઇ ફરિયાદ
અમદાવાદ : નવરંગપુરાના સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીની ઓફિસના લોકરમાંથી બે મેનેજર સહિત 4 કર્મચારીઓએ રૂપિયા 50 લાખ રોકડા બારોબાર ઘર ભેગા કરતા ફરિયાદ નોંધાઈ છે. નવરંગપુરા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાંદખેડામાં રહેતા ચિરાગ ઠક્કરે હસમુખ ડાભી, હિતેન્દ્ર ઠાકર, કૃણાલ તુરિખયા, જીતેન્દ્ર ગોહિલ વિરુદ્ધ ફરિયાદ કરી છે.
જાણો શું છે સમગ્ર ઘટના?
નવરંગપુરા ખાતે ગોલ્ડસુખ કોમ્પ્લેક્સમાં આવેલી જેકે એન્ડ કંપની નામની આંગડિયા પેઢીની ઓફિસ ચિરાગના મામા જયેશભાઈ પૂજારા તેમજ કાકા કલ્પેશ ઠક્કર ધરાવે છે. આ પેઢી ચિરાગને તેના કાકા અને મામાએ છેલ્લા 5 મહિનાથી સંભાળવા માટે આપી હતી. ચિરાગના કાકા અને મામાની સીજી રોડ પર આવેલી બીજી ઓફિસની પણ તે દેખરેખ રાખે છે અને આ ઓફિસમાં જ્યંતીભાઈ ડાભી મેનેજર છે. જ્યારે સીજી રોડના સમૃદ્ધ એનેક્સી કોમ્પ્લેક્સમાં ત્રીજી ઓફિસ પણ આવેલી છે, જેમાં કૃણાલ તુરખિયા મેનેજર તરીકે કામ કરે છે. કૃણાલ આ લોકર થતા ઓફિસ બંધ કરવાનું કામકાજ કરે છે અને ઓફિસની ચાવીઓ પણ તેની પાસે જ રાખતો હતો. ઓફિસના હિતેન્દ્ર ઠાકર અને જીતેન્દ્ર ગોહિલ પણ પૈસા લેવા-મૂકવા જવાનું કામકાજ કરે છે. 12મી નવેમ્બરના દિવસે ગોલ્ડ સુખની ઓફિસના 40 લાખ રૂપિયા લઈ સમુદ્ર એનેક્સી કોમ્લેક્સમાં આવેલી ઓફિસના લોકરમાં મૂકવા માટે ગયા હતા, જ્યાં આ ઓફિસના મેનેજર કૃણાલની હાજરીમાં લોકરમાં રૂપિયા મૂક્યા હતા. ત્યાર બાદ જીતેન્દ્રએ વધુ 10 લાખ રૂપિયા લોકરમાં મૂકી દીધા હતા. કૃણાલની હાજરીમાં 50 લાખ રૂપિયા રોકડા સમૃદ્ધ એનેક્સી કોમ્પ્લેક્સની ઓફિસમાં આવેલા લોકરમાં મૂક્યા હતા.
લોકર ખોલતા જ 50 લાખ ગાયબ થયેલા જોઈ ચોંકી ગયા
ગોલ્ડસુખ, ટેન ઇલેવન અને ઇસ્કોનની ત્રણ ઓફિસ દિવાળી હોવાથી રાતે બંધ કરી હતી. ત્યારે ટેન ઈલેવનના લોકર તથા ઓફિસની ચાવીઓ કૃણાલ તેની પાસે લઇ ગયો હતો. 23મી નવેમ્બરના રોજ ધંધા અર્થે પૈસાની જરૂર હોવાથી ચિરાગે તેના કાકા અને ડ્રાઇવરને 50 લાખ રૂપિયા લેવા માટે સીજી રોડ પર આવેલી સમુુદ્ર કોમ્પ્લેક્સની ઓફિસ પર ગયા હતા. ચિરાગના કાકાએ લોકર ખોલ્યું તો 50 લાખ ગાયબ જોઈ તે ચોંકી ગયા હતા. કાકાએ તાત્કાલિક ચિરાગને પૈસા લોકરમાં ન હોવાની જાણ કરી હતી.
સ્થાનિક પોલીસે શું હાથધરી તપાસ?
ફરિયાદી તાત્કાલિક સમુદ્રની ઓફિસના CCTV ફૂટેજ તપાસવા માટે પહોંચ્યા હતા. જોકે, ઓફિસમાં CCTV કેમેરાનું DVR પણ ગાયબ હતું. જેથી ઓફિસના પૈસા બાબતે સ્ટાફના કર્મચારીઓની પૂછપરછ કરી, પરંતુ કોઈએ લીધા ન હોવાનું કહ્યું હતું. જેથી ફરિયાદીએ તેમની આંગડિયા પેઢીના બે મેનેજર સહિત બે કર્મચારીઓએ નવરંગપુરા સીજી રોડ પર આવેલી સમુદ્ર એનેક્સી કોમ્પલેક્સની ઓફિસના લોકરમાંથી 50 લાખ રૂપિયા બારોબાર ઘર ભેગા કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. હાલ નવરંગપુરા પોલીસે આ સમગ્ર બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.