- ગેંગસ્ટર રવિ પૂજારીને લઈને ક્રાઈમ બ્રાન્ચે કર્યા ખુલાસા
- સાંજે રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે
- બોરસદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
અમદાવાદ : અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને ગઈકાલે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બેંગ્લોરથી ટ્રાન્ઝિટ વોરન્ટના આધારે ગુજરાત લઈ આવી હતી. રવિ પૂજારી સામે ગુજરાતમાં નોંધાયેલા કેસ અંગે માહિતી આપતા ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ કમિશનર ઓફ પોલીસ પ્રેમવીરસિંહે જણાવ્યું હતું કે, તેના વિરુદ્ધ ગુજરાતમાં કુલ 21 કેસ નોંધાયેલા છે. જે પૈકી 14 કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય 7 ગુનાની તપાસ ATS પાસે છે. આજે મંગળવારે સાંજે તેને ફરી વખત બોરસદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ફાયરિંગ અને હત્યાના કેસમાં એકમાત્ર વોન્ટેડ આરોપી હતો
વર્ષ 2017માં પ્રજ્ઞેશ પટેલ નામના વ્યક્તિ પર થયેલા ફાયરિંગના કેસમાં તે વોન્ટેડ હતો. આ દરમિયાન તે દક્ષિણ આફ્રિકાના યુગાન્ડા સહિતના દેશોમાં નામ બદલીને ફરતો હતો. પ્રજ્ઞેશ પટેલ ફાયરિંગ કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી. આ ઉપરાંત તેણે અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર પાસે પણ 25 કરોડની ખંડણી માંગી હતી. આજે બોરસદ કોર્ટમાં ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
દેશભરમાં 200થી વધુ ગુનાઓ, પણ મંજૂરી માત્ર 13 ગુનાઓમાં તપાસની જ
ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ કમિશનર ઓફ પોલીસ પ્રેમવીરસિંહે વધુમાં જણાવ્યું હતું કે, રવિ પૂજારી વિરૂદ્ધ ભારતમાં 200થી વધુ ગુનાઓ નોંધાયા છે. જોકે, દક્ષિણ આફ્રિકાની સેનેગલ કોર્ટ દ્વારા ભારતમાં નોંધાયેલા માત્ર 13 કેસ માટે જ કસ્ટડી સોંપવામાં આવી હોવાથી અન્ય ગુનાઓની તપાસ કે ધરપકડ માટે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ પાસેથી મંજૂરી માંગવી પડે તેમ છે.