- 50 ટકા સ્ટાફનો નિયમ નેવે મુકતા એકમો સામે મનપાની તવાઈ
- સોગંધનામું કરાવ્યા બાદ જ ખોલાય છે સીલ
- મનપા કમિશ્નરના આદેશનું પાલન ન થતા 10 એકમો સીલ
અમદાવાદ: 23 એપ્રિલે મનપાના ટેક્સ, AMTSની ટીમ સાથે મળી જુદા-જુદા વિસ્તારોમાં તપાસ કરી રહી છે. શુક્રવારે થયેલી તપાસમાં કુલ 267 એકમોની તપાસ કરી 10 એકમોના મનપા કમિશ્નરના આદેશનું પાલન ન થતા સીલ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી 1,358 એકમોની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 21 એકમોને સીલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જામનગર મનપાએ 21 દુકાનો સીલ કરી
સ્ટાર બજાર સહીત 10 એકમોને સીલ
મનપાએ 23 એપ્રિલે કરેલી સીલ કરવાની કામગીરીમાં 10 એકમોને સીલ કરવામાં આવ્યા છે. જેમાંથી જોધપુર વિસ્તારમાં આવેલા સ્ટાર બજાર, નરોડા ખાતે આવેલું નેશનલ હેન્ડલુમ, વસ્ત્રાપૂર ખાતે આવેલી પ્રેમવતી સહીત 10 એકમોને સીલ કરવામાં આવ્યા છે. અગાઉ પણ 21 એકમોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
દરેક ઝોનમાં 2-3 ટીમને તપાસ માટે કાર્યરત કરાઈ
મનપા કમિશ્નરે શહેરના એકમોમાં 50 ટકા સ્ટાફ કાર્યરત રાખવા માટેનો ઓર્ડર પાસ કર્યા બાદ AMTS અને ટેક્સ વિભાગની ટીમ સંકલન કરી જુદા-જુદા એકમોમાં તપાસ કરે છે. દરેક ઝોનમાં 2-3 ટીમ બનાવવામાં આવી છે. જે તપાસ કરશે.
આ પણ વાંચો: જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવે પાન મસાલાની 12 દુકાનો સીલ
સોગંધનામું લખાવી સીલ ખોલવામાં આવે છે
જે એકમો મનપાના ઓર્ડરનું પાલન કરતા ન દેખાય તેમને સીલ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ માત્ર મનપા કમિશ્નર અથવા ઝોનના ડેપ્યુટી મનપા કમિશ્નરની મંજૂરી બાદ જ સીલ ખોલવામાં આવે છે. આ મંજૂરીમાં અરજદારે સ્ટેમ્પ ઉપર ફરીવાર નિયમ ભંગનું પુનરાવર્તન ન કરવાની શરતે સીલ ખોલવા માટેનું સોગંધનામું કરાવવું પડે છે. વળી જો સોગંધનામું કરાવ્યા બાદ પણ નિયમ નેવે મૂકતા જણાય તો વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.