મુંબઇ: ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન એડવાન્સ ટેક્સ કલેક્શનમાં 31 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. એમાં પણ કોર્પોરેટ ટેક્સનું કલેક્શન 79 ટકા ઘટ્યું છે.
આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2020-21 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ પ્રત્યક્ષ કર વસૂલી 31 ટકા ઘટીને 1,37,825 કરોડ રૂપિયા રહી. એક વર્ષ પહેલા જૂન 2019માં આ રકમ 1,99,755 કરોડ રૂપિયા હતું.
પ્રથમ ક્વાર્ટર દરમિયાન એડવાન્સ ટેક્સ ચૂકવણીની છેલ્લી તારીખ 15 જૂન છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પ્રથમ બે મહિનામાં, દેશમાં સંપૂર્ણ લોકડાઉન હતું.
કોરોના વાઇરસ રોગચાળાને અંકુશમાં રાખવા માટે આ લોકડાઉન 25 માર્ચથી લગાડવામાં આવ્યું હતું. પરિણામે, દેશમાં આશરે 80 ટકા આર્થિક પ્રવૃત્તિઓ બંધ રહી.
તારીખ 1 જૂનથી તબક્કાવાર રીતે લોકડાઉન હટાવવાનું શરૂ થયું છે, પરંતુ અર્થવ્યવસ્થામાં પ્રવૃત્તિઓ સંપૂર્ણ રીતે સામાન્ય થઈ નથી.