નવી દિલ્હી: એલજી કેમિકલ્સએ ગુરુવારે કહ્યું કે, વિશાખાપટ્ટનમ પોલિમર પ્લાન્ટમાં ગેસ લિકેજ હવે નિયંત્રણમાં છે. આ અકસ્માતમાં અંદાજે આઠ લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે 2,000થી વધુ લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
દક્ષિણ કોરિયાની કંપની એલજી કેમિકલ્સએ જણાવ્યું હતું કે, તે સ્થાનિક રહેવાસીઓ અને કર્મચારીઓને મદદ કરવા ભારતીય અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું, "ગેસ લીકેજ હવે નિયંત્રણમાં છે, પરંતુ ગેસ લીક થવાથી ચક્કર આવવા અથવા ઉબકા જેવી સમસ્યાઓ થઈ શકે છે. અમે બધા અસરગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ."
કંપની સ્ટીરીન મોનોમર ગેસના લિકેજ થવાનાં કારણો શોધી રહી છે. આ ગેસનો ઉપયોગ પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કંપની તેના દ્વારા થતાં નુકસાન તેમજ લિકેજ અને મૃત્યુનું કારણ શોધી રહી છે."
કંપની સુનિશ્ચિત કરી રહી છે કે, અસરગ્રસ્તોને વહેલી તકે યોગ્ય સારવાર મળે.