મુંબઇ: અગાઉ ક્યારેય સોનાની ખરીદી ન કરતા 29 ટકા રિટેલ રોકાણકારો હવે કિંમતી ધાતુઓમાં રોકાણ કરવા તૈયાર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી) કહે છે કે સરકાર દ્વારા સંચાલિત અનેક નાણાકીય કાર્યક્રમો, ફિંનટેકનું વિસ્તરણ અને જાણકારી વધવાના કારણે હવે ભૂતકાળમાં સોનાની ખરીદી ન કરતા રિટેલ રોકાણકારો પણ ખરીદવા માટે તૈયાર છે.
ભારતમાં રિટેલ રોકાણકારો પર ડબ્લ્યુજીસીના અહેવાલ મુજબ, 52 ટકા રોકાણકારો પાસે કોઈ ન કોઈ રૂપમાં કિંમતી ધાતુ છે. 48 ટકા એવા રોકાણકારો છે જેમણે છેલ્લા 12 મહિનામાં સોનામાં રોકાણ કર્યું છે.
ભારતીય રોકાણકારોના પ્રથમ પાંચ રોકાણોમાં સોનાના રોકાણ અને સોનાના સિક્કા પણ છે. આ સ્થિતિ છેલ્લા ઘણાં વર્ષોથી યથાવત્ છે. ભારતનું સોના બજાર વિશ્વના સૌથી મોટા અને સ્થાપિત બજારોમાં છે. પરંપરાગત રીતે ભારતીયો હંમેશાં સોનાથી લગાવ ધરાવે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મેનેજિંગ ડિરેક્ટર ભરત સોમસુંદારમ પી.આર.એ જણાવ્યું હતું કે, "સરકાર દ્વારા સંચાલિત અનેક નાણાકીય કાર્યક્રમો, ફિંનટેકનું વિસ્તરણ અને જાણકારી વધવાના કારણે હવે ભૂતકાળમાં સોનાની ખરીદી ન કરતા રિટેલ રોકાણકારો પણ ખરીદવા માટે તૈયાર છે."
તેમણે કહ્યું કે આનાથી નિશ્ચિતરૂપે સોનાના ઉદ્યોગને અસર થશે. હવે કંપનીઓ પણ રિટેલ રોકાણકારો સુધી ટેકનોલોજી દ્વારા સોનાની પહોંચ વધારી રહી છે. તેમણે કહ્યું કે આ સર્વેનો મોટો નિષ્કર્ષ એ ગ્રામીણ અને શહેરી વચ્ચેનો તફાવત છે.
સર્વે અનુસાર, 76 ટકા શહેરી રોકાણકારોએ ભૂતકાળમાં સોનામાં રોકાણ કર્યું છે, જ્યારે 21 ટકા ભવિષ્યમાં રોકાણ કરવા તૈયાર છે. તે જ સમયે, 37 ટકા ગ્રામીણ રોકાણકારો ભવિષ્યમાં સોનાની ખરીદી પર વિચાર કરી શકે છે. જો કે, તેઓએ હજી સુધી સોનામાં રોકાણ કર્યું નથી.