નવી દિલ્હી: સુનાવણી દરમિયાન અરજદાર અજય ગૌતમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે એફઆઈઆર નોંધવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, નાગરિકતા સંશોધનના પ્રદર્શન પાછળ રાષ્ટ્ર વિરોધી દળોના ઉશ્કેરણીની તપાસ NIA દ્વારા થવી જોઈએ. પોલીસે પણ આ પ્રદર્શન પાછળ ષડયંત્ર હોવા અંગે જવાબ દાખલ કર્યા છે.
આ કેસમાં અન્ય એક પક્ષ જમિયત ઉલેમા-એ-હિન્દ વતી કહેવામાં આવ્યું હતું કે, હિંસામાં ચોક્કસ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યારે ખાસ સમુદાયનો ભોગ બનેલા લોકો અન્ય સમુદાયોના લોકો સામે એફઆઈઆર નોંધાવવા માગતા હતા ત્યારે, પોલીસે એફઆઈઆર નોંધી ન હતી. અમારી ફરિયાદો અંગે પોલીસે કોઈ જવાબ આપ્યો નથી. જમિયતે કહ્યું કે, દિલ્હી લઘુમતી પંચના રિપોર્ટનો નિષ્કર્ષ એ છે કે, હિંસામાં ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, લઘુમતી પંચે પાંચ સભ્યોની સમિતિની નિષ્પક્ષ તપાસ માટે અપીલ કરી છે. અમે પણ તેમની સાથે સહમત છીએ.
આ કેસમાં હર્ષ માંદરના અન્ય એક પક્ષ વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ ભાજપના નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે દાખલ કરેલી અરજી પાછી ખેંચી રહ્યા છે. આ માટે, તેઓ ટ્રાયલ કોર્ટમાં જશે. તેમણે કહ્યું કે, અમે આ મામલાને પેન્ડિંગ રાખવા માગતા નથી. ત્યારબાદ હાઇકોર્ટે આ અરજી પરત ખેંચવાની મંજૂરી આપી હતી. સુનાવણી દરમિયાન સીપીએમના નેતા વૃંદા કરાત વતી હાજર એડવોકેટ અદિત એસ પૂજારીએ કહ્યું કે, તેમની અરજી પણ ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ છે.
27 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હી હાઈકોર્ટે હેટ સ્પીચના કેસમાં એફઆઈઆર નોંધવાની માગણી કરતી અરજી પર સુનાવણી મુલતવી રાખીને 13 એપ્રિલના રોજ સુનાવણીનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આ કેસમાં પક્ષકાર બનવાની મંજૂરી આપી હતી. હાઈકોર્ટના આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે 4 માર્ચે હાઈકોર્ટને આ કેસની સુનાવણી ટૂંક સમયમાં જ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 6 માર્ચે હાઇકોર્ટને સુનાવણીનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હાઈકોર્ટે શાંતિ સ્થાપવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.