- પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા અમિત શાહ પહોંચ્યા
- રાજ્યમાં અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા
- ગૃહપ્રધાન અમિત શાહ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વે કરશે
નવી દિલ્હી : ઉત્તરાખંડમાં ભારે વરસાદને (Heavy Rain In Uttarakhand ) કારણે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah)પરિસ્થિતિની સમીક્ષા કરવા ઉત્તરાખંડ પહોંચ્યા હતા. દહેરાદૂનમાં તેઓ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. કહેવામાં આવી રહ્યું છે કે, ગૃહપ્રધાન અમિત શાહ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વે પણ કરશે.
નૈનીતાલ જિલ્લામાં જ 30 લોકોના મોત
વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઘણા ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. સત્તાવાર નિવેદન અનુસાર, મોટાભાગના લોકો મકાનો તૂટી પડવાના કારણે મૃત્યુ પામ્યા હતા. નૈનીતાલ જિલ્લામાં જ 30 લોકોના મોત થયા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ કહ્યું કે, તેણે ઉત્તરાખંડના પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સેંકડો લોકોને બચાવ્યા છે. દળે રાજ્યમાં 17 બચાવ ટીમો તૈનાત કરી છે.
નુકસાનનું મૂલ્યાંકન કરવાનો સરકારનો નિર્દેશ
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, NDRFના બચાવકર્તાઓએ અત્યાર સુધીમાં ઉધમ સિંહ નગર અને નૈનીતાલમાં ફસાયેલા 1,300 થી વધુ લોકોને બચાવ્યા છે. તેઓ ઉત્તરાખંડના પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રીનું વિતરણ પણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ઉધમ સિંહ નગરમાં 6, ઉત્તરકાશી અને ચમોલીમાં બે -બે અને દેહરાદૂન, ચંપાવત, પિથોરાગઢ અને હરિદ્વારમાં એક -એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ બુધવારે કુમાઉના વરસાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને નુકસાનનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જિલ્લો | મોત |
નૈનીતાલ | 30 |
ચંપાવત | 11 |
અલ્મોડા | 06 |
પૌડી | 03 |
ઉધમસિંહનગર | 02 |
પિથૌરાગઢ | 02 |
બાગેશ્વર | 01 |
કુલ | 55 |