અમદાવાદઃ દક્ષિણ આફ્રિકાની ટીમ અત્યારે બીજા સ્થાન પર છે. આ ટીમ પહેલેથી જ સેમિફાઈનલ માટે ક્વાલિફાઈ થઈ ચૂકી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ હશમત શાહિદીના નેતૃત્વવાળી અફઘાનિસ્તાનની ટીમ સામે જીતવા થનગની રહી છે. આ જીત મેળવીને તે આત્મવિશ્વાસ સાથે સેમિફાઈનલમાં પ્રવેશવા માંગે છે.
દક્ષિણ આફ્રિકાના સૌથી પ્રભાવશાળી બેટ્સમેન ક્કિટન ડી કોક રહ્યો છે. જેને અત્યાર સુધી 4 વર્લ્ડ કપ સેન્ચ્યુરી નોંધાવી છે. દક્ષિણ આફ્રિકાની ભારત સામેની પોતાની હારને ભૂલાવીને પોતાનું ફોર્મ સુધારવા અને જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ઈડન ગાર્ડનમાં ભારત વિરુદ્ધની મેચમાં દક્ષિણ આફ્રિકાનો ટોપ અને મીડલ ઓર્ડર હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, કેપ્ટન તેમ્બા બાવુમા, રાસી વાન ડેર ડુસેન પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થઈ ગયો હતો. જેમાં ભારતના જસપ્રિત બુમરા, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કુલદીય યાદવ અને રવિન્દ્ર જાડેજાએ ધારદાર બોલિંગ કરી હતી.
દક્ષિણ આફ્રિકાના દરેક બેટ્સમેન સાથે મળીને બેટિંગ કરે તો એક મોટો સ્કોર ખડકી શકે તેમ છે તેમજ મોટા સ્કોરનો પીછો પર કરી શકે તેમ છે. જો કે આ વખતે દક્ષિણ આફ્રિકાની ટીમને બેટિંગ કરતી વખતે રાશિદ ખાન, મુજીબ ઉર રહમાન અને મોહમ્મદ નબી જેવી વર્લ્ડ ક્લાસ સ્પિનર્સનો મુકાબલો કરવાનો રહેશે. કાગિસો રબાડાના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકા શુક્રવારે તેજ આક્રમણ માટે ઉત્સુક છે જેમાં દુબળા પાતળા માર્કો જોન્સનનો પણ સિંહફાળો રહેશે. તેમજ આ ટીમનો જમણા હાથનો સ્પિનર કેશવ મહારાજ પણ હરિફ ટીમને ઝાટકો આપવા સક્ષમ છે.
અમદાવાદની સ્થિતિ જોતા સંભાવના છે કે તબરેજ શમ્સીની જગ્યાએ ગેરાલ્ડ કોએત્જીનો 11 ખેલાડીઓની ટીમમાં સમાવેશ કરવામાં આવે. દક્ષિણ આફ્રિકા આઠ મેચોમાંથી 6 જીતી અને માત્ર 2 મેચ હારીને બીજા ક્રમે છે. તેના 12 પોઈન્ટ છે. જ્યારે નેટ રનરેટ 1.376 છે અફઘાનિસ્તાન સામેની જીત તેમને વધુ બે અંક અપાવી શકે તેમ છે તેમજ તેમનો રન રેટ પણ વધશે.
બીજી તરફ અફઘાનિસ્તા જે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે જે ઉલટફેર કરવા માટે પૂરી તાકતથી રમત રમશે. જો અફઘાનિસ્તાન જીતે તો તેના 10 પોઈન્ટ થશે અને તેનો રન રેટ પણ વધશે. આ સિવાય બીજા આયામોના પરિણામ પણ અફઘાનિસ્તાન તરફી રહે તો આ ટૂર્નામેન્ટમાં તેઓ પહેલા સેમિફાનલમાં પહોંચી શકે છે.
અફઘાનિસ્તાનના ઈબ્રાહિમ જાદરાન મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં હાર્યા હોવા છતા પોતાની ટીમ માટે વર્લ્ડ કપમાં સેન્ચ્યૂરી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયા છે. એકવાર ફરીથી આક્રામક બેટિંગ કરવા માટે ઈબ્રાહિમ જાદરાન તૈયાર છે તેની સાથે રહમાનુલ્લાહ ગુરબાજ, હશમત શાહિદી અને રહમત શાહ જેવા ખેલાડીઓ પણ જોડાશે.
શુક્રવારની મેચમાં અફઘાનિસ્તાન માટે એક કપરુ કાર્ય એ છે કે આ ટીમના બોલરે એ તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ટીમના ગ્લેન મેક્સવેલે જે બુરા હાલ કર્યા હતા તેને ભુલાવવા પડશે. મેક્સવેલે 201 રન બનાવીને પોતાની ટીમને જીત અપાવવામાં સિંહફાળો આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમની આક્રામક બેટિંગ રોકવા માટે યોગ્ય રીતે બોલિંગ કરવી પડશે. શુક્રવારે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ફેન્સ એક રોમાંચક મુકાબલાનો ઈન્તજાર કરી રહ્યા છે.