- ચમોલીમાં સર્જાયેલી ગ્લેશિયર દુર્ઘટનામાં બચાવ કામગીરીનો આજે 18મો દિવસ
- અત્યાર સુધી અહીં ફસાયેલા 71 મૃતદેહ અને 30 માનવ અંગને બહાર કઢાયા
- તપોવન પાવર પ્લાન્ટનો એક કર્મચારી પણ ગુમ થયો હોવાનું સામે આવ્યું
ઉત્તરાખંડઃ ચમોલી સ્થિત જોશીમઠમાં પ્રાકૃતિક આપત્તિનો 18મો દિવસ છે. છેલ્લા 18 દિવસથી અહીં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હજી પણ અહીંથી મૃતદેહોને બહાર કાઢવા અને લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. જોશીમઠના તપોવન ટનલ અને રૈણી ગામમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ચમોલી જિલ્લા પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, અત્યાર સુધી રાહત બચાવ કામગીરીમાં 71 મૃતદેહ અને 30 માનવ અંગ મળ્યા છે. જ્યારે સેંકડોની સંખ્યામાં હજી પણ લોકો ગુમ છે. જોકે, બુધવારે કોઈ મૃતદેહ મળ્યો નથી.
જોશીમઠ પોલીસ વિસ્તારમાં મંગળવારે ગુમ થયેલા લોકોનો રિપોર્ટ નોંધાવાયો
જોકે, દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધી 71 મૃતદેહ અને 30 માનવ અંગ મળી ગયા છે, જેમાંથી 40 મૃતદેહ અને એક માનવ અંગની ઓળખ કરવામાં આવી છે. આ ઉપરાંત જોશીમઠ પોલીસ વિસ્તારમાં મંગળવારે ગુમ થયેલા લોકોનો રિપોર્ટ નોંધાવવામાં આવ્યો હતો. તપોવન-વિષ્ણુગાડ પાવર પ્લાન્ટ પરિયોજનામાં કાર્યરત ઋત્વિક કંપનીએ પોતાના વધુ એક મજૂર ગુમ થયો હોવાની સૂચના પોલીસને આપી છે.
110 પરિવારજનોના ડીએનએ દહેરાદૂનની લેબમાં મોકલાયા
આ દુર્ઘટના પછીથી અત્યાર સુધી 135 લોકો ગુમ છે, જેની તપાસ માટે અભિયાન ચાલી રહ્યું છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, 58 મૃતદેહ, 28 માનવ અંગ અને દુર્ઘટનાનો શિકાર થયેલા લોકોના 110 પરિવારજનોના ડીએનએ નમૂના દહેરાદૂન સ્થિત ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.